પાટણ: પાટણમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે યોજાયેલા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કોરોનામાં ઓક્સિજનના અભાવે લોકો મરી ગયા હોવાનું જાહેર મંચ પરથી નિવેદન કર્યું હતું. અગાઉ સરકારે કોરોનાકાળમાં ઓક્સિજનના અભાવે એક પણ મોત નહીં થયું હોવાનો દાવો કર્યો હતો. રાજ્યપાલના વિરોધાભાસી નિવેદનને પગલે વિવાદ સર્જાયો હતો. રાજ્યપાલે વૃક્ષોનું મહત્ત્વ સમજાવતી વખતે ઓક્સિજન જીવન માટે કેટલો જરૂરી હોવાનું જણાવતા કોરોનામાં થયેલાં મોતનો દાખલો આપ્યો હતો.
રાજ્યમાં કોરોનાકાળ દરમ્યાન ઓક્સિજનના અભાવે હોસ્પિટલમાં અનેક મોત થવા છતાં રાજ્ય સરકાર દ્વારા ઓક્સિજનના અભાવે એક પણ મોત રાજ્યમાં ના થયું હોવાના દાવા કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બીજી લહેરમાં ઓક્સિજનની તંગી સર્જાઈ હતી.
ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું હતું કે બે પ્રકારની વિદ્યા છે.અપરા વિદ્યા કે જેનાથી જીવન નિર્વાહ થાય છે અને પરા વિદ્યા જેનાથી જીવવાના ઉત્તમ વિચાર અને અભિગમ પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થીઓએ આ બંને વિદ્યાઓને આત્મસાત કરી સમાજસેવામાં યોગદાન આપવાનું છે.

