કૂંપટ ગામમાં બે પક્ષો વચ્ચે પથ્થરમારોઃ ત્રણ પોલીસકર્મી ઘાયલ

Tuesday 31st May 2022 16:34 EDT
 
 

ડીસા: ડીસાના કૂંપટ ગામમાં ઠાકોર સમાજના યુવકના લગ્નનો વરઘોડો કાઢવા મુદ્દે બખેડો સર્જાયો હતો. દરબાર-ઠાકોર કોમ વચ્ચે થયેલી બબાલમાં બંદોબસ્ત માટે પહોંચેલી પોલીસ પર ટોળાંએ પથ્થરમારો કરતાં દાંતીવાડા પીએસઆઈ સહિત ત્રણ પોલીસકર્મીને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ડીસાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ડીસા તાલુકાના કૂંપટ ગામના ઠાકોર સમાજના વિષ્ણુજી પોપટજી ઠાકોરના લગ્ન પ્રસંગે શુક્રવારે વરઘોડો કાઢવાનો હતો. પરંતુ ગામના જ દરબાર સમાજના લોકોએ વરઘોડો કાઢવાની ના પાડી હતી તેમ છતાં વરઘોડો કાઢતા બે જૂથ વચ્ચે બોલાચાલી થઇ હતી. બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને જૂથને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે, તે સમયે દરબાર સમાજના ટોળાએ અચાનક પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. ઠાકોર સમાજના યુવાનના લગ્નપ્રસંગે વરઘોડો ચોક્કસ વિસ્તારમાંથી કાઢવા બાબતે તકરાર સર્જાઈ હતી બાદમાં બે પક્ષ સામસામે આવી જતાં પથ્થરમારો પણ થયો હતો જેમાં ત્રણ જેટલા પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા.


comments powered by Disqus