ગુજરાતના ગામડાં સમૃદ્ધ થયા તેમાં બહેનોની ભૂમિકા : મોદી

Tuesday 31st May 2022 16:44 EDT
 
 

ગાંધીનગર: કેન્દ્ર સરકારમાં અલગ સહકાર મંત્રાલયની રચના બાદ દેશમાં સર્વપ્રથમ વખત આ ક્ષેત્રના પદાધિકારી, સભાસદો અને આગેવાનોનું સહકારથી સમૃધ્ધિ મહાસંમેલન મહાત્મા મંદિરમાં મળ્યુ હતુ. જેને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમુલ દૂધ અને લિજ્જત પાપડ સહિતના સહકારી ક્ષેત્રના અનેક મોડલનું સ્મરણ કરતા ગુજરાતના ગામડા સમૃધ્ધ થયા બહેનોની ભૂમિકાને બિરદાવી હતી. એ ગ્રામિણ અર્થતંત્રનો મજબૂત આત્મા છે.
ભારતમાં વાર્ષિક આઠ લાખ કરોડ રૂપિયાનું દુધ ઉત્પાદન થાય છે. આ ક્ષેત્રમાં ગુજરાતનો સિંહફાળો છે. દેશમાં અનાજના કુલ બજાર ની સરખામણીએ દૂધનું બજાર ઘણુ જ મોટુ છે. આજે ગુજરાતમાં 70 લાખ મહિલાઓ દુધ મંડળીઓમાં સભાસદ હોવાનું જણાવતા વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, ગુજરાતનું સહકારી મોડલ દેશ માટે આજે પ્રેરણારૂપ પુરવાર થયુ છે. એક સમયે કચ્છ- સૌરાષ્ટ્રમાં ડેરીઓના નિર્માણ માટે નિયંત્રણો હતો. અમારી સરકારે તે નિયંત્રણો દૂર કર્યા. ડેરી ઉદ્યોગને વેગવાન બનાવ્યો. જેના પરિણામે 50 લાખ પરિવારો સમૃધ્ધ થયા છે. 5,500થી વધુ મંડળીઓ તો મહિલાઓ ચલાવે છે. તેમના કૌશલ્ય, મનોબળને મજબૂત કરવા સરકાર ધ્યાન આપી રહ્યાનું કહેતા તેમણે રાજ્યના છ ગામોને સહકારી વ્યવસ્થાઓથી ધબકતા કરવા કો-ઓપરેટિવ મોડલ વિલેજ બનાવવાની જાહેરાત કરી હતી.
ઇફ્કોના નેનો યુરિયા લિક્વિડ પ્લાન્ટનો મોદીના હસ્તે પ્રારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિરમાંથી કલોલ સ્થિત ઈફ્કોના નેનો યુરિયા લિક્વિડ પ્લાન્ટનું વર્ચ્યુઅલ આરંભ કરાવ્યો હતો. આ પ્લાન્ટ રોજના 500 મિલીલીટરની 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરશે. નેનો ટેકનોલોજીથી યુરિયા ખાતરની એક બોરીની તાકત 500 મિલીલીટરની બોટલમાં સમાશે. જેના ખેડૂતોને ફાયદો થશે અને લાંબાગાળે ભારત માટે ફર્ટિલાઈઝર ઉપર વિદેશોની નિર્ભરતામાંથી છુટકારારૂપ સાબિત થશે. ઈફ્કોના વર્ચ્યુઅલ કાર્યક્રમને સંબોધતા મોદીએ કહ્યું કે, આવનારા દિવસોમાં ભારતમાં આવા આઠ પ્લાન્ટ સ્થપાશે. આપણે ત્યાં યુરિયા માટે વિદેશો પર નિર્ભર રહેવું પડ્યું છે. અમે સરકારમાં આવ્યા ત્યારે ટેકનોલોજી અપગ્રેડેશનને કારણે દેશમાં પાંચ કારખાના બંધ પડ્યા હતા. ઉત્તરપ્રદેશ અને તેલંગણામાં શરૂ કર્યા છે અને બાકીના ત્રણ કારખાના પણ શરૂ થઈ જશે. કોરોના પછી યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે યુરિયાની કિંમતો વધવા છતાંય સરકાર 50 કિલો ફર્ટિલાઈઝરની એક બેગ રૂ. 3500માં આયાત કરીને ખેડૂતોને રૂ. 300માં આપે છે. રૂ. 3200ની સબસિડી સરકાર ઉઠાવે છે.


comments powered by Disqus