નકલી કસ્ટમ ઓફિસરે પ્રવાસીને અમદાવાદ એરપોર્ટના શૌચાલયમાં લઈ જઈ લૂંટી લીધો

Tuesday 31st May 2022 16:51 EDT
 

અમદાવાદ: સુરતનો વેપારી દુબઇ ખાતે કામ પૂર્ણ કરીને અમદાવાદ એરપોર્ટ પર ઊતર્યો હતો. બાદમાં વેપારી રેલ્વે સ્ટેશન જવા માટે એરપોર્ટ પાર્કિંગ પ્લોટ પાસે રિક્ષાની રાહ જોઇને ઊભો હતો ત્યારે બે શખ્સો ત્યાં આવીને કસ્ટમ્સ વિભાગના ઓફિસર તરીકે ઓળખ આપીને વેપારીને એક શૌચાલયમાં લઇ ગયા હતા. જ્યાં બન્ને શખ્સોએ તપાસવાના બહાને વેપારીને નગ્ન કરાવ્યો હતો. બાદમાં બન્નેએ વેપારી પાસેથી મોબાઇલ, પાસપોર્ટ, બ્રાન્ડેડ વોચ તેમજ કપડાં સહિત રૂ. 5000 રોકડા લૂંટી લીધા હતા. જેના લીધે વેપારીને શૌચાલય બહાર ચડ્ડી બનિયામાં આવવુ પડ્યું હતુ. અંતે વેપારીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં બન્ને ઠગો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસીને આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.
સુરતના મોહમદ આસીફ શેખ સાઇન બોર્ડનો બિઝનેસ કરે છે. આસીફ ધંધા અર્થે મુંબઇથી પાંચ દિવસ પહેલા દુબઇ ગયો હતો. સવારના 3.45 આસપાસ ફલાઇટમાંથી આસીફ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો. બાદમાં તેણે સુરત જવાનું હોવાથી તે પાર્કિંગ પાસે આવીને રિક્ષાની રાહ જોઇ રહ્યો હતો. આ દરમ્યાન બે અજાણ્યા શખ્સો ત્યાં આવીને આસીફને તેઓએ કસ્ટમ્સ વિભાગના ઓફિસર હોવાની ઓળખ આપી હતી. બાદમાં બન્ને શખ્સો આસીફને નજીકમાં આવેલા શૌચાલયમાં લઇ ગયા હતા. જ્યાં બન્ને શખ્સોએ ચેકીંગના નામે પહેલાં બેગ તપાસીને પાસપોર્ટ, મોબાઇલ સહિત રોકડા રૂ. 5 હજાર ઝૂંટવી લીધા હતા. બાદમાં આસીફે બ્રાન્ડેડ કપડા પહેર્યા હોવાથી બન્ને શખ્સોએ તે કપડા પણ તેના કઢાવીને લઇને જતા રહ્યા હતા. જતાં જતાં આસીફની બેગ શૌચાલયની બહાર ફેંકીને જતા રહ્યા હતા. જેથી આસીફને ચડ્ડી બનિયાનમાં રસ્તા પર આવીને તેની બેગ ઉઠાવીને કપડા પહેર્યા હતા.


comments powered by Disqus