નખત્રાણા વિસ્તારમાં 1057 યુગલ લગ્નનાં બંધને બંધાયા

Tuesday 31st May 2022 16:31 EDT
 
 

ભુજઃ કૃષ્ણ ભગવાનના વંશજ એવા આહિર સમાજમાં વૈશાખ મહિનાની અંધારી તેરસ લગ્નનો દિવસ ગણાય છે. એટલેજ કહેવાય છે કે “અંધારી તેરહ ના અંજવારા આયરેમાં, હીંધેની હગવડ ને હૈયારા આયરેમાં”. સમાજની મોટી સંખ્યા ધરાવતા ભુજ, અંજાર, ભચાઉ, રાપર અને નખત્રાણા વિસ્તારમાં જુદી-જુદી વઇ મુજબના ગામોમાં કુલ 1057 જેટલા દંપતી વણજોયા મુહૂર્તે લગ્નગ્રંથીથી જોડાયા હતા.
રતનાલ-ધાણેટી વઈમાં આવતા રતનાલ, ધાણેટી, ડગાળા, બાનીયારી, આદિપુર અને ઉખડમોરા વગેરે ગામો મળીને કુલ 259 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આહીરપટ્ટીની લોડાઈ વઈમાં સુમરાસર, ઢોરી, કુનરીયા, કોટાય, ઝીકડી, લોડાઈ, જવાહરનગર વગેરે ગામોમાં 350 વર-વધૂ વૈશાખ મહિનાની અંધારી તેરસે વણજોયા મુર્હતે લગ્નગ્રંથી થી જોડાયા.
જ્યારે અંજાર તાલુકાની ઢેબર વઇ તરીકે ઓળખાતા લાખાપર, સતાપર, હીરાપર, કોટડા, લુણવા સહિતના ગામોમાં 110 જેટલા દંપતી લગ્નના બંધને બંધાયા હતા. ભાતીગળ પોશાક સાથે પરંપરાગત રીતે લગ્નોત્સવ ઉજવાયો હતો. વર્ષો થી ચાલી આવતી પરંપરા મુજબ પ્રાંથળિયા આહીર સમાજમાં અંધારી તેરસે લેવાતા લગ્નના બીજા દિવસે ગામના મંદિરે એકઠા થઇ નિયમ મુજબ ગામની ગાયો માટે પણ અનુદાન એકત્ર કરવામાં આવે છે.


comments powered by Disqus