ગાંધીનગરઃ સાણંદમાં ફોર્ડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને તાતા મોટર્સની પેટા કંપની તાતા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ (ટીપીઈએમએલ)એ હસ્તાંતર કરી છે. આ માટે ગુજરાત સરકાર, ટીપીઈએમએલ અને ફોર્ડ મોટર્સ વચ્ચે ત્રિપક્ષીય કરારો થયા હતા. તાતા હવે ફોર્ડના આ પ્લાન્ટમાં ઇલેક્ટ્રિક વ્હિકલ્સ બનાવશે. આ માટે તાતા મોટર્સને વધુ ૭૦૦થી ૮૦૦ કરોડનું રોકાણ કરવું પડશે અને તેનાથી વાર્ષિક ૩ લાખ ઇ-વ્હિકલ્સ બનશે, જે વધારીને ૪ લાખ સુધી પહોંચાડવા તાતાનો અંદાજ છે. ૨૦૧૧માં ગુજરાત સરકારે ફોર્ડ મોટર્સ સાથે સ્ટેટ સપોર્ટ એગ્રિમેન્ટ કરીને આ યુનિટ સ્થાપવા મંજૂરી આપી હતી.
આ ટ્રાઇપાટ્રિએટ એગ્રિમેન્ટ થકી ટીપીઈએલએમ ફોર્ડની અહીંની તમામ જમીન, બિલ્ડિંગ્સ, મશીનરી, વ્હિકલ એસેમ્બ્લિંગ યુનિટ્સ હસ્તગત કરી લેશે. ઉપરાંત તાતા ફોર્ડના તમામ કર્મચારીઓને તાતા મોટર્સના કર્મચારી તરીકે સમાવેશ કરી લેશે. ફોર્ડના આ 3 હજારથી વધુ કર્મચારીઓની નોકરી આ કારણે બચી જશે. જ્યારે ફોર્ડના ઉત્પાદન માટે આ પ્લાન્ટની આસપાસ આવેલી એન્સિલરી કંપની એટલે કે કાર માટે જરૂરી અન્ય સામગ્રી બનાવી પૂરી પાડતી કંપનીઓ બંધ થતી અટકશે અને તે રીતે બીજા ૨૦થી ૨૨ હજાર લોકોની રોજગારી પણ જતી અટકશે.

