સોખડા હરિધામ વિવાદઃ ત્રીજી બેઠક પણ અનિર્ણિત

Tuesday 31st May 2022 16:37 EDT
 
 

વડોદરા: સોખડા હરિધામમાં ગાદીપતિના વિવાદમાં સમાધાન માટે આજે અમદાવાદ ખાતે ગુજરાત હાઇકોર્ટમાં બન્ને પક્ષકારોની ત્રીજી બેઠક મળી હતી. આ બેઠકમાં પણ કોઇ નિર્ણય નહી આવતા મુદ્દત પડી છે અને હવે અગામી બેઠક ૧૩મી જૂનના રોજ મળશે.
હરિપ્રસાદ સ્વામીજીએ સ્થાપેલી યોગી ડિવાઇન સોસાયટી અને તેને અંતર્ગત સોખડા હરિધામ મંદિર સહિતની રૂ.10 હજાર કરોડની સંપત્તિના સૂત્રધાર એટલે કે ગાદીપતિ કોણ તે અંગે પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથ વચ્ચે વિવાદ ઉભો થયો છે. હરિપ્રસાદ સ્વામીજી બ્રહ્મલીન થયા બાદ તેમની અંતિમક્રિયા બાદ પ્રેમસ્વરૂપ સ્વામીને ગાદીપતિ જાહેર કરાયા હતા જેનો પ્રબોધ સ્વામી અને તેમના ટેકેદાર સંતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધના ભાગ રૂપે પ્રોબધ સ્વામી તેમના ટેકેદાર સંતો અને સાધ્વીજીઓ સાથે સોખડા હરિધામ છોડીને બાકરોલમાં સ્થાયી થયા છે.
દરમિયાન બન્ને જૂથો દ્વારા સત્સંગ સભાઓ અને હરિપ્રસાદ સ્વામીજીના પ્રાગટય મહોત્વની ઉજવણી કરીને શક્તિ પ્રદર્શનો થઇ રહ્યા છે. બીજી તરફ આ વિવાદ અંગે હરિપ્રસાદ સ્વામીજીના વારસદાર અંગે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરાઇ છે અને હાઇકોર્ટે માર્ગદર્શન આપ્યુ છે કે બન્ને પક્ષ સાથે બેસીને આ વિવાદનો અંત લાવે એટલે સમાધાન માટે આ અગાઉ બે બેઠક થઇ ચુકી છે આજે ત્રીજી બેઠક હતી. સમાધાનની બેઠક અંગે હાઇકોર્ટે જાહેર નિવેદન કરવાની મનાઇ કરી હોવાથી બન્ને પક્ષ તરફથી કોઇ ચોક્કસ માહિતી મળી નહતી પરંતુ એટલી જાણકારી મળી શકી છે કે આજની બેઠક પોઝિટિવ હતી અને અગામી તા.૧૩મી જૂને વધુ એક વખત બેઠક મળશે.


comments powered by Disqus