અમદાવાદ: હકાલપટ્ટી કરે તે પહેલાં જ પક્ષ છોડનારા હાર્દિક પટેલ સામે નાણાં લઈ ટિકિટ વેચી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે, હાર્દિક પટેલના પાટીદાર અનામત આંદોલનના એક સમયના સાથી ભાવેશ સોનામીએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે, હાર્દિક પટેલે ગારિયાધારની બેઠક પર ટિકિટ આપવા માટે રૂ. 23 લાખ લીધા હતા. ભાવેશે પોતે 10 લાખ હાર્દિક પટેલના ઘરે જઈને હાર્દિકના પિતાને આપ્યા હતા અને ટિકિટ મળ્યા બાદ 13 લાખ આંગડિયાથી મોકલ્યા હતા. એટલું જ નહીં પરંતુ હાર્દિકના એક સમયના આ સાથીએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે, હાર્દિક પટેલના કહેવાથી પોતે વર્ષ 2017માં ભાજપના એક નેતા ઉપર વલભીપુરમાં જૂતું ફેક્યું હતું.
ભાવેશ સોનામીએ દાવો કર્યો હતો કે, હાર્દિક પટેલ ગારિયાધારની બેઠક ઉપર ટિકિટ આપવા માટે 23 લાખ લીધા હતા. પાસ ના આ જૂના સાથીએ એવો પડકાર ફેંક્યો છે કે હાર્દિક પટેલ ભાવનગર આવે અને 100 માણસો ભેગા કરી બતાવે. મહત્ત્વનું છે કે, થોડા દિવસ અગાઉ હાર્દિકના અને એક સાથીએ પણ આરોપ મૂક્યો હતો કે, હાર્દિકે 2017ની ગુજરાતી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટનો વેપલો કર્યો હતો. એકેય આંદોલનકારીને ટિકિટ આપી નહોતી. હાર્દિકના કહેવાથી વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે 16 ટિકિટો આપી હતી. એટલું નહીં પરંતુ ચાર બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવાર બદલાવ્યા હતા. હાર્દિકે મનગમતા લોકોને ટિકિટ આપી વેપલો કર્યો હતો. અંતે પરિણામો આવ્યા ત્યારે 20 બેઠકમાંથી કોંગ્રેસને માંડ પાંચ બેઠકો મળી હતી. બાકીની 15 બેઠકો ઉપર કોંગ્રેસનો હારનો સામનો કરવો પડ્યો હતો.
