કાતિલ ઠંડીમાં મૃત્યુ પામેલા ડિંગુચાના ચાર પરિજનોની અંતિમક્રિયા કેનેડામાં જ કરાશે

Tuesday 01st February 2022 11:22 EST
 
 

કલોલ: અમેરિકા કેનેડા બોર્ડર પર ગત તા. ૧૯ના રોજ ૪ મૃતદેહો મળી આવ્યા હતા. આ ચારેય એક જ પરિવારના અને કલોલના ડિંગુચા ગામના વતની હોવાની ઓળખ કેનેડાની પોલીસે કરીને તેની માહિતી ભારતના હાઈકમિશનને આપી હતી. ચારેયની ઓળખ થતા મૃતકના વતન ડિંગુચામાં ઘેરા શોક સાથે અરેરાટી વ્યાપી જવા પામી છે. ગામમાં હાલના તબક્કે પણ કોઈ ખુલીને બોલવા માટે તૈયાર નથી.
ઠંડીમાં ઠુંઠવાઈ જવાથી મોતને ભેટનાર આ ચારેય કલોલના ડિંગુચાના વતની જગદીશ બળદેવભાઈ પટેલ (ઉ.વ. ૩૯) તથા વૈશાલીબેન જગદીશકુમાર પટેલ (ઉ.વ. ૩૭) તથા વિહંગી જગદીશકુમાર પટેલ (ઉ.વ. ૧૧) અને ૩ વર્ષનો ધાર્મિક જગદીશકુમાર પટેલ હોવાની સત્તાવાર વિગતો જાહેર થઈ છે. અમેરિકા- કેનેડાની બોર્ડર પર ગુજરાતના કલોલ તાલુકાના ડિંગુચાના ચાર લોકોના મોત નીપજ્યા હોવાની ચર્ચાથી સરકારી એજન્સીઓમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ લોકો અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના હોવાથી કોઈ એજન્ટોએ તેમને મોકલ્યા હોવાની લીંકથી પોલીસે કેટલાક એજન્ટોની પણ કચેરીએ લાવી પૂછતાછ હાથ ધરી હતી. મૃતક પરિવારની ઓળખ કરવા માટે કેનેડાની પોલીસે તપાસ ચલાવી હતી. અને ગતરોજ કેનેડાની પોલીસે ભારતના હાઈ કમિશનને ચારેયની ઓળખ કરી તેમના નામની પુષ્ટિકરી હતી. આ કરૂણ ઘટનાને પગલે તેમના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. મૃતકના સ્નેહીજનો ડિંગુચા દોડી આવ્યા હતા. એક પરિવાર કેટલાય અરમાનો સાથે લઈને વિદેશની ધરતી પર પહોંચ્યો હતો. પરંતુ અંતિમ સમયે સ્વદેશની ધરતી પણ નસીબ નહી થતાં પરિવાર કંપી ઉઠયો છે.
એક મૃતદેહ લાવવાનો ખર્ચ રૂ. ૪૦ લાખ
એક તબક્કે એવી વાત જાણવા મળી હતી કે, મૃતદેહો ડિકમ્પોઝ થઈ ગયા છે. વધુમાં એક મૃતદેહને ભારત દેશ પરત લાવવા માટે અંદાજિત ૪૦ લાખનો ખર્ચ થાય તેમ હતો. તે મુજબ બે બાળકો અને તેમના માતા-પિતાના ચારેયના મૃતદેહનો ખર્ચ ૪૦ લાખ લેખે એક કરોડ ૬૦ લાખ જેટલો થાય. સંભળાઈ રહેલી ચર્ચા મુજબ, આ હતભાગી પરિવાર જો જીવતા અમેરિકા પહોંચી ગયા હોત તો એજન્ટને ૧.૬૫ કરોડની રકમ આપવાની ડીલ નક્કી થઈ હતી. એક સમયે ડિંગુચાના ગ્રામજનો અને પરિવારજનો આ માહિતી ખોટી ઠરે તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. ડિંગુચાના સરપંચ ખુદ કહી રહ્યા હતા કે, આ વાત ખોટી ઠરે. જોકે એ સમયે કોઈ સત્તાવાર વિગતો પ્રાપ્ત થઈ રહી નહતી. એમ્બેસી સાથે પરિવાર સંપર્ક કરી રહ્યો હતો, પરંતુ એ સમયે ઠોસ કોઈ વિગતો નહતી. આથી કોઈનું પણ મન કે હ્યદય આ આ કરૂણાંતિકાને સ્વીકારી શકે તેમ નહતુ. પરંતુ હવે જ્યારે હાઈકમિશને સત્તાવાર પુષ્ટિ કરી દીધી તે પછી પરિવારની તેમાંપણ ખાસ કરીને મૃતક જગદીશભાઈના પિતા બળદેવભાઈ સહિતના સ્વજનોની હાલત અતિ કફોડી બની છે.
ગામમાં મોટા ભાગના મકાનોને તાળાં
ડિંગુચા ગામમાં ૩,૫૦૦ની વસ્તી છે અને ૧,૩૦૦ જેટલા મકાનો આવેલા છે. જેમાંથી ૬૦૦ જેટલા મકાનો પાટીદાર પરિવારોના છે. અને આ મકાનોમાંથી કેટલાય મકાનોના તાળા વર્ષોથી ખુલ્યા નથી તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું. લોકો વર્ષોથી શહેરોમાં તથા વિદેશોમાં સ્થાયી થયેલા છે. જેના કારણે આવા મકાનો વર્ષોથી બંધ હાલતમાં છે.
૭૩ હજાર ડોલરનું ક્રાઉડફંડિંગ
અમેરિકાની બોર્ડરમાં પ્રવેશ કરતી વખતે હાડ થીજાવતી ઠંડીમાં મોતને ભેટેલા ચાર સભ્યોના પરિવારની અંતિમક્રિયા અને અન્ય મદદ માટે ક્રાઉડફંડિગની મદદ લેવાઇ છે. મૃતક પરિવારના અમેરિકાના ઇલિનોઇમાં રહેતા સ્વજન દિલીપ પટેલે આ માટે ૭૦ હજાર ડોલર એકત્ર કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું, પરંતુ સોમવાર સુધીમાં ૭૩ હજાર ડોલરથી વધુ (અંદાજે ૫૫ લાખ રૂપિયા) રકમ એકત્ર થઇ છે. દિલીપ પટેલે ઓનલાઇન ફંડરેઇઝીંગ અંતર્ગત ક્રાઉડફંડિંગ શરૂ કર્યું હતું. તેમના કહેવા પ્રમાણે આ રકમમાંથી ચારેય મૃતકોની અંતિમક્રિયા કરાશે અને બાકી જે રકમ વધશે એ જગદીશભાઇના માતા-પિતાને મોકલી અપાશે.


comments powered by Disqus