સુરતઃ કોરોનાકાળમાં આયુર્વેદ પ્રત્યે લોકોની માનસિકત બદલાઈ છે. જેને કારણે હાલ મોટેભાગે દરેક ઘરમાં શરદી, ખાંસી, તાવ અને કફ જેવી બીમારીને માટે પણ પણ લોકો આયુર્વેદિક ઉપચાર કરી રહ્યા છે. જેમાં એક ઔષધ બહેડો પણ છે. ખાસ વાત એ છે કે ગુજરાતમાં સૌથી મોટો ડાયામીટર ધરાવતું વૃક્ષ ઉનાઈ રેન્જમાં છે.
બહેડા ભારત દેશમાં સર્વત્ર જોવા મળતી વનસ્પતિ છે. ખાસ કરીને તે નીચલા પર્વતીય પ્રદેશોમાં વધારે જોવા મળે છે. ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલોમાં તે જોવા મળે છે. ગુજરાતમાં અંદાજે ૫૦૦ વર્ષથી પણ જૂનું બહેડાનું વૃક્ષ દક્ષિણ ગુજરાતના જાણીતા ઉનાઇ ખાતે આવેલું છે, જેનો ડાયામીટર ૮.૧૨ મીટર છે. એટલે કે તેને સાત વ્યક્તિઓ ભેગા થઈને ઘેરાવો કરે એટલું મહાકાય છે. તેની જાળવણી પણ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે બહડો વૈદોના અતિ પ્રિય ગણાતા વૃક્ષોમાંથી એક છે. જેનો આયુર્વેદની દ્રષ્ટિએ બહોળો ઉપયોગ છે. શરદી, ખાંસી, તાવ, કફ, દમ, હૃદય રોગ અને પથરી જેવા ૫૦ રોગો માટે તેને મહાઔષધી માનવામાં આવે છે. હાલ કોરોનાની બીમારીમાં લોકો આ બહેડાનો ઉપયોગ શરદી, ખાંસી-તાવ મટાડવા માટે કરે છે.
ઉનાઇ રેન્જના આરએફઓ રૂચિ દવેએ કહ્યું કે બહેડાનું વૈજ્ઞાનિક નામ ટમનેલિયા બેલ્લીરિકા છે. અંદાજ છે કે આ વૃક્ષ ૫૦૦થી વધુ વર્ષનું આયુષ્ય ધરાવે છે.
