નવી દિલ્હીઃ પેગાસસ જાસૂસી મુદ્દે નવો ધડાકો કરતાં અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે ઈઝરાયલ સાથેના બે અબજ ડોલરના સંરક્ષણ સોદાના ભાગરૂપે પેગાસસ સ્પાયવેરની ખરીદી કરી હતી. આ અહેવાલને પગલે દેશમાં મોટો વિવાદ ઊભો થયો હતો. વિરોધ પક્ષોએ સરકાર પર હુમલો કરતાં આક્ષેપ કર્યો હતો કે સરકારે ગેરકાયદેસર જાસૂસી કરી હતી, જે રાજદ્રોહ સમાન છે.
વિરોધ પક્ષોએ સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે તેઓ સોમવારથી શરૂ થતાં સંસદના બજેટમાં આ મુદ્દો જોરશોરથી ઉઠાવશે. બીજી તરફ કેન્દ્રિય પ્રધાન વી.કે. સિંહે ન્યુયોર્ક ટાઈમ્સને ‘સુપારી મીડિયા’ ગણાવ્યું હતું. સરકારના સૂત્રે જણાવ્યું હતું કે પેગાસસ સોફ્ટવેર સંબંધિત મુદ્દાની સુપ્રીમ કોર્ટ હેઠળની એક સમિતિ તપાસ કરી રહી છે અને તેના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
NYTના રિપોર્ટ અંગે પ્રતિક્રિયા આપતા રાજ્યકક્ષાના કેન્દ્રિય રોડ-હાઈવે અને નાગરિક ઊડ્ડયન પ્રધાન સિંહે ટ્વિટર પર જણાવ્યું હતું કે તમે NYT પર વિશ્વાસ રાખશો? તે સુપારી મીડિયા તરીકે જાણીતું છે. આ મુદ્દે કોંગ્રેસે મોદી સરકાર પર ચોતરફ હુમલા કર્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે સરકાર સંસદ સાથે છેતરપિંડી કરી રહી છે. સુપ્રીમ કોર્ટનો વિશ્વાસઘાત કરી રહી છે અને લોકશાહીનું અપહરણ કર્યું છે અને રાજદ્રોહ કરી રહી છે.
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે મોદી સરકારે આપણી લોકતાંત્રિક સંસ્થાઓ, રાજકીય નેતાઓ અને જનતાની જાસૂસી કરવા પેગાસસની ખરીદી કરી હતી. આ ફોન ટેપિંગમાં સરકારી અધિકારીઓ, વિપક્ષના નેતાઓ, લશ્કરી દળો, ન્યાયતંત્ર એમ તમામને ટાર્ગેટ બનાવામાં આવ્યા હતા. આ એક પ્રકારનો રાજદ્રોહ છે.
કોંગ્રેસે જણાવ્યું હતું કે તે બજેટ સત્રમાં આ મુદ્દો ઉઠાવશે તથા સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની સરકારની જવાબદારી નક્કી કરવાની માગણી કરશે. મુખ્ય વિપક્ષે આ મુદ્દે પોતાની રીતે નોંધ લેવા સુપ્રીમ કોર્ટને પણ અનુરોધ કરતાં જણાવ્યું હતું કે સરકાર સાથે જાણીજોઈને છેતરપિંડી કરવા બદલ કાર્યવાહી કરવી જોઈએ.
સીપીઆઈ (એમ)ના મહામંત્રી સીતારામ યેચુરીએ જણાવ્યું હતું કે મોદી સરકારે એફિડેવિટ કરીને સમજાવવું જોઈએ કે સરકારે આ સાઇબર શસ્ત્રની ખરીદી શા માટે કરી હતી, તેના ઉપયોગની પરવાનગી કોણે આપી હતી, જાસૂસી માટેના ટાર્ગેટની પસંદગી કેવી રીતે કરવામાં આવી હતી અને જાસૂસીના રિપોર્ટ કોને મળતા હતા. આ મહત્ત્વના મુદ્દે સરકારી ચૂપકીદીનો અર્થ એવો થાય છે કે સરકારે તેની ગુનાહિત પ્રવૃત્તિનો એકરાર કર્યો છે.
સીપીઆઈ મહામંત્રી ડી. રાજાએ આક્ષેપ કર્યો હતો કે સરકારે આ મુદ્દે સંસદમાં સત્ય છૂપાવ્યું હતું અને હવે સરકારે જવાબ આપવો જોઈએ. શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આક્ષેપ કર્યો હતો કે આ સ્પાયવેરનો ઉપયોગ સુરક્ષાના હેતુઓ માટે નહીં, પરંતુ વિપક્ષ અને પત્રકારોની જાસૂસી માટે થયો હતો. ન્યુયોર્ક ટાઈમ્સે તેના ‘બેટલ ફોર ધ વર્લ્ડ મોસ્ટ પાવરફૂલ સાઈબર વેપન’ નામના રિપોર્ટમાં જણાવ્યું હતું કે ઇઝરાયલની કંપની એનએસઓ ગ્રુપ વિશ્વભરની કાયદા અમલીકરણ અને જાસૂસી એજન્સીઓને સબસ્ક્રિપ્શનના આધારે તેના સર્વેલન્સ સોફ્ટવેરનું દાયકાઓથી વેચાણ કરી રહી છે. આ રિપોર્ટમાં જુલાઈ ૨૦૧૭માં મોદીની ઇઝરાયલની મુલાકાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

