રામનાથ ઘેલા મહાદેવને જીવતા કરચલા ચઢાવવાની પરંપરા

Tuesday 01st February 2022 11:12 EST
 
 

સુરતઃ સુરતમાં ઉમરા ગામમાં આવેલા રામનાથ ઘેલા મંદિર સાથે સંકળાયેલી રોચક પરંપરાને આધીન મહાદેવને જીવતા કરચલા ચઢાવવા માટે શ્રાદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટયુ હતુ. રામનાથદાદાની સાલગીરી વેળાએ ભોલેનાથના દર્શન અને પિતૃતર્પણ માટે દિવસભર ભીડ જોવા મળી હતી.
સુરત જિલ્લાના ઉમરા ખાતે આવેલા પૌરાણિક રામનાથ ઘેલા મંદિરમાં શ્રાવણ માસ અને પોષવદ એકાદશીએ દર્શનનો મહિમા છે. ભગવાન રામના પિતા દશરથની તર્પણ વિધી સાથે જોડાયેલી વાયકાને આધીન સંતાન, પરિવારના સભ્યોને કાનની તકલીફ હોય તો અહીં મહાદેવને જીવતા કરચલા ચઢાવવાની બાધા-માનતા લેવાઇ છે.
આ પ્રથા દાયકાઓથી ચાલી આવે છે. તાપી કિનારે આવેલા મંદિરની નજીકમાં જ સ્મશાન ઘાટ છે. જેને પગલે અહીં અનેક લોકો પિતૃઓની તર્પણ વિધી કરે છે. શુક્રવારે પોષ વદ એકાદશીએ વ્હેલી સવારથી જ મહાદેવના દર્શનની સાથે જીવતા કરચલા ચઢાવવા શ્રાદ્ધાળુઓનું ઘોડાપૂર જોવા મળ્યુ હતુ. તાપી કિનારે ઠેરઠેર તર્પણ વિધીના દૃશ્યો સાથે જ ગામમાં પરંપરાગત રીતે મેળો ભરાયો હોય લોકોની ભીડ દેખાઇ હતી.


comments powered by Disqus