અમદાવાદઃ કેનેડામાં ચાર ગુજરાતીનાં થીજી જવાથી મોત થયાંની ઘટના બાદ વિદેશ મોકલતા એજન્ટોના ગ્રુપમાં વધુ એક ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો. વીડિયોમાં પહેલે પૈસા ઓકે કરો. જેવાં વાક્યો બોલાઈ રહ્યાં છે અને કૂરતાપૂર્વક વ્યવહાર કરાઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે. વીડિયો સાચો છે કે કેમ તે બાબતે હજુ કોઇ સ્પષ્ટતા થઇ નથી.
ઉત્તર ગુજરાતના બે પરિવારો અમેરિકા જવાના ચક્કરમાં તુર્કીમાં ફ્સાયા હોવાનો અહેવાલ સામે આવ્યા છે. જેમાં તેજસ પટેલ, પત્ની અલકાબેન અને દીકરો દિવ્ય છે. બીજા પરિવારમાં સુરેશ પટેલ, પત્ની શોભા અને દીકરી ફેરમનો સમાવેશ થાય છે. પરિવારો પણ અમેરિકા પહોંચવાની ફિરાકમાં હતા. તેમને તુર્કીના એજન્ટોએ બંધક બનાવી લેવાયા છે. બીજી તરફ ગાયબ થયેલા આ બે પરિવારના નિકટનાં સગાંએ ઇસ્તંબુલ ભારતીય દૂતાવાસ પાસે પણ મદદ માગી છે.
અમેરિકા જવાના હેતુની તપાસ કરાશે
ગાંધીનગર પોલીસના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ લોકો ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં કે જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં અમેરિકા જવા રવાના થયા હતા. ઈસ્તંબુલમાં ભારતીય એમ્બેસીને અપહરણ થયલા પરિવારના સંબંધીઓએ ફરિયાદ કરી હતી. તેના આધારે તેમને શોધવામાં આવ્યા હતા. અમેરિકા જવાનો હેતુ શો હતો અને ઈસ્તંબુલ કેવી રીતે પહોંચ્યા તેની તપાસ કરાશે.
