સુરતઃ ઓડિશાના વતની અને સાયણમાં સંચા ખાતામાં કામ કરતા બ્રેઈનડેડ યુવાને હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષીને માનવતા મહેકાવીને સમાજને નવી દિશા બતાવી હતી. સુરતમાંથી હૃદયદાનની આ ૪૦મી ઘટના છે.
ડોનેટ લાઇફની ટીમે તેના પરિવાર અને સબંધીઓને અંગદાન અંગે સમજાવતા તેઓ સંમત થયા હતા. જેથી સુશીલનું હૃદય સુરત પોલીસની મદદથી ગ્રીન કોરીડોર કરીને ૧૬૧૦ કિ.મી દુર ચેન્નાઇની હોસ્પિટલમાં ૨૨૧ મિનિટમાં પહોંચાડાયું હતું. અને ૪૭ વર્ષીય વ્યક્તિને ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. જોકે, તેના ફેફસા મુંબઇમાં જે દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવાના હતા તેનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા ટ્રાન્સપ્લાન્ટ થઇ શકયું નહોતું.
દાનમાંથી મળેલી કિડની પૈકી એક અમદાવાદ રહેતા બાવન અને ૫૩ વર્ષના બે વ્યક્તિમાં અને લિવર ભાવનગરના ૪૪ વર્ષના આધેડને અમદાવાદની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.

