આણંદઃ જિલ્લામાં ગુલિયન બેરી સિન્ડ્રોમ (GBS) નામના જીવલેણ રોગના શંકાસ્પદ ૩ કેસો બોરસદ તાલુકાના નિસરાયા ગામમાં જોવા મળ્યા હતા. જેમાં ત્રણેય યુવાનોને કરમસદ અને વડોદરા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં કરમસદ ખાતે દાખલ દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેને પગલે સમગ્ર ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
નીસરાયા ગામમાં કુવાવાળા ફળીયામાં રહેતા શનિકુમાર રાજ, યુવરાજસિંહ રાજ અને નજીકના ફળિયામાં રહેતા આદિત્ય રાજને જીવલેણ બીમારી GBSના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. ત્રણેય નવયુવાનો ત્રણ દિવસ દરમિયાન એક બાદ એક બીમારીમાં સપડાયા હતા. જેઓને પરિવારજનો દ્વારા પ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તમામનો રિપોર્ટ કઢાવીને સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ ત્રણેયને કોઈ ફાયદો ના થતા અને વધુ તબિયત લથડતા શનિકુમાર રાજ અને યુવરાજ રાજને કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં જયારે આદિત્ય રાજને વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે કરમસદની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા શનિકુમાર રાજની તબિયત વધુ લથડી હતી અને સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું.
બે યુવકોની હાલત નાજુક
ગામના બે યુવાનો હજુ પણ આ શંકાસ્પદ બીમારીમાં સપડાયેલા છે અને તેઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે પરંતુ તેઓની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળેલ છે. ત્યારે હાલ તો ગ્રામજનોમાં શંકાસ્પદ બીમારીને લઇ ફફડાટ જોવા મળી રહ્યો છે.
ચેપી રોગ ના હોય ગ્રામજનોએ ગભરાવવાની જરૂર નથી
બોરસદ તાલુકાના નીસરાયા ગામમાં GBS નામની શંકાસ્પદ બીમારીના કેસ જોવા મળ્યા છે પરંતુ આ બીમારી ચેપ રોગ નથી જેને લઇ તેનાથી ગ્રામજનોએ ગભરાવવાની કોઈ જરૂર નથી. નોંધનીય છે કે, આ રોગમાં દર્દીના શ્વાસોશ્વાસની પ્રક્રિયા અને શરીરની નર્વસ સિસ્ટમ પર અસર કરે છે. જેને લઈને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને પગમાં અશક્તિ આવે છે.
મોટાભાગના કિસ્સાઓમાં પગમાં લકવો થઈ જાય છે તેવા લક્ષણો જોવા મળે છે પરંતુ નીસરાયામાં ત્રણેવ યુવાનોમાં અલગ અલગ લક્ષણ જોવા મળ્યા હતા જેમાં કમજોરી,આંખે અંધારા આવવા,ડબ્બલ ચિત્ર દેખાવવું,બીપી લો થવું,અડધા શરીરનું કામ કરવું બંધ થઇ જવું,ઉલ્ટી થવી અને ગળામાં અસહ્ય દુઃખાવો થવાના લક્ષણો દેખાયા હતા.

