મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકની ધરપકડ કરી છે. 8 કલાક સુધી ચાલેલી લાંબી પૂછપરછ બાદ EDએ ધરપકડ કરી હતી. કોર્ટે મલિકને 8 દિવસ એટલે કે 3 માર્ચ સુધી ED રિમાન્ડ પર મોકલી દીધો છે. આ સમગ્ર મામલો 300 કરોડની સંપત્તિ સાથે જોડાયેલો છે. નવાબ મલિકાના આ કેસમાં ડી-ગેંગ (દાઉદ ઈબ્રાહિમની ગેંગ) અને દાઉદની બહેન હસીના પારકર પણ સામેલ છે.
એનસીપીના કાર્યકરોના હોબાળાની આશંકાએ જોતા ઈડીએ ચૂપચાપ કાર્યવાહીની અંજામ આપ્યો હતો. ઈડીના અધિકારીઓના જણાવ્યા અનુસાર નવાબ મલિક પૂછપરછમાં સહયોગ નહોતા કરી રહ્યા જે કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઈડી મલિકના અરેસ્ટ બાદ તેમને હોસ્પિટલ લઈ ગઈ હતી અને ત્યાં તેમનું મેડિકલ પરિક્ષણ કરાયું હતું.
દાઉદ ઇબ્રાહિમનો ભાઇ જ્યુડિશિયલ કસ્ટડીમાં
1993માં મુંબઇના સિરીયલ બ્લાસ્ટના માસ્ટર માઇન્ડ દાઉદ ઇબ્રાહિમના ભાઇ ગેંગસ્ટર ઇકબાલ કાસકરને મની લોન્ડરિંગ કેસમાં આજે સ્પેશિયલ કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડી આપી હતી. આમ બાદમાં કાસકરને થાણેની જેલમાં મોકલવામાં આવ્યો હતો.
ખંડણી અને અન્ય કેસમાં પકડાયેલા કાસકરને અગાઉ ધરપકડ બાદ થાણેની જેલમાં રાખવામાં આવ્યો હતો. પછી ઇડીના અધિકારીએ તેને તાબામાં લઇને મની લોન્ડરિંગ પ્રકરણમાં તપાસ શરૂ કરી હતી. કોર્ટે તેને 24 ફેબ્રુઆરી સુધીની ઇડીની કસ્ટડી આપી હતી. કસ્ટડી પૂરી થતા આજે કાસકરને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ હેઠળની વિશેષ કોર્ટમાં હાજર કરાયો હતો. કાસકરના વકીલે કોર્ટમાં એક અરજી કરી હતી. એમાં કાસકરને ઇડીની કસ્ટડીમાં અંગ્રેજીમાં લખેલા અમૂક દસ્તાવેજ પર સહી કરાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું. કાસકરને અંગ્રેજી ભાષા આવડતી નથી એમ તેના વકીલે કહ્યું હતું.
કાસકરને ડાયાબિટીસ હોવાથી થાણેની જેલમાં ઘરનું ભોજન આપવાની તેના વકિલે માગણી કરી હતી.
એનઆઇએ દાઉદ ગેંગ અંગે ઘટસ્ફોટ કર્યો હતો. દાઉદે ભારતીય નેતાઓ અને પ્રસિદ્ધ બિઝનેસમેન નેતાઓ અને પ્રસિદ્ધ બિઝનેસમેનને નિશાન બનાવવા એક લિસ્ટ તૈયાર કર્યું છે. ભારતમાં કેટલાક નેતાઓ દાઉદની ગેંગને ફંડ પૂરું પાડી રહ્યા હોવાનું માલૂમ પડયું છે.

