ગાંધીનગર: તાજેતરમાં કચ્છના ક્રીક વિસ્તાર તથા હરામી નાળા વિસ્તારમાં પાકિસ્તાની માછીમારોની ઘુસણખોરીની ઘટનાને પગલે બીએસએફના અધિક ડાયરેકટર જનરલ પીવી રામાશાસ્ત્રી (વેસ્ટર્ન કમાન્ડ) ગાંધીનગર બીએસએફના વડામથકની મુલાકાતે દોડી આવ્યા છે.
પીવી રામાશાસ્ત્રીએ ગાંધીનગર બીએસએફના વડા મથકે સીનીયર અધિકારીઓ સાથે બેઠક કરીને કચ્છ- બનાસકાંઠા અને પાટણની આંતરરાષ્ટ્રીય ભૂમિ સીમાની સલામતી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. રામાશાસ્ત્રી ત્વરીત કચ્છના ક્રીક તથા હરામી નાળા વિસ્તારની મુલાકાતે પણ દોડી ગયા હતા. તેમની સાથે ગુજરાત બીએસએફ ફ્રન્ટાયરના આઈજી જીએસ મલિક તથા સિનિયર અધિકારીઓ પણ જોડાયા હતા. ખાસ કરીને રામાશાસ્ત્રીએ બીએસએફની ઓપરેશન હાથ ધરવાની તૈયારીની સમીક્ષા કરીને બીએસએફ દ્વારા લેવાતા પગલા અંગે સંતોષ વ્યકત્ત કર્યો હતો.

