ગાંધીધામઃ રશીયાએ પોતાના પડોશી દેશ યુક્રેન પર હુમલો કરી દેતા સીધી અસર આંતરરાષ્ટ્રીય વેપાર પર પડવાની શરૂ થઈ ગઈ છે. તો આ સાથે ભારતના સી રુટથી પણ સીધી રીતે થઈ રહેલા આયાત નિકાસ પર તેની અસર આગામી દિવસોમાં જોવા મળશે તેમ તજજ્ઞોએ જણાવ્યું હતું. કચ્છના કંડલા અને મુંદ્રા પોર્ટ્સ પર પણ યુક્રેનના ઉડેસા પોર્ટથી આયાત નિકાસ થતી રહે છે, હવે જ્યારે કે ઉડેસા પોર્ટને ખાલી કરવામાં આવી રહ્યું છે.
યુદ્ધની સ્થિતિ વચ્ચે યુક્રેનએ તેના ઉડેસા પોર્ટ પર લાંગરેલા તમામ જહાજોને પોર્ટ છોડી દેવા અને બ્લેક સીનો રુટ અખત્યાર કરવા જણાવ્યું છે. હજી સુધી જોકે પોર્ટ પર કોઇ હુમલા થયાનું કે નુકશાન થયાનું સામે નથી આવ્યું પરંતુ તકેદારીના ભાગરુપે આ નિર્ણય લેવાયો છે. ભારતથી રશીયા, યુક્રેન અને અન્ય યુરેશીયાના દેશો સુધી સી રુટથી કાર્ગો મોકલવા સુએઝ કેનાલ અને બ્લેક સીનો રુટ અખત્યાર કરવામાં આવે છે. ગત વર્ષે અઢીસો કરોડ ડોલર જેટલો ટ્રેડ છે ત્યારે કોરોનાથી માંડ ઉપર આવી રહેલી વૈશ્વીક વેપારને આ યુદ્ધથી વધુ નુકશાન પહોંચશે તેવું તજજ્ઞો જણાવી રહ્યા છે.
કચ્છના મુંદ્રા અને કંડલામાં યુક્રેનથી મીનરલ્સ સાથે કૃષી સબંધિત સામગ્રી, પોલીમર, પ્લાસ્ટીકની આયાત કરાય છે, જ્યારે કે દવાઓ, મશીનરી, ખાધ સામગ્રી, કેમીકલ અને મોટા પ્રમાણમાં ચાની નિકાસ થાય છે. રશીયા અને યુક્રેનમાંજ ભારતમાં પેદા થતી કુલ ચામાંથી ૧૫ ટકાથી વધુ ચાનું ખરીદદાર હોવાનું જાણકાર વર્તુળોએ કહ્યું હતું. આ વ્યવસાય સાથે જોડાયેલા ઉધમી આશિષ જોશીએ જણાવ્યું કે જો આ યુદ્ધ વધુને વધુ ખેંચાતું રહ્યું તો એક વાર મોટો આંચકો લાગશે. હાલમાંજ જહાજોને યુક્રેનના ઉડેસા બંદરથી દુર કરાઈ રહ્યા છે અને પોર્ટ પર તમામ કોમર્શીયલ ગતીવીધી બંધ કરી દેવાઈ છે.

