સુરત: રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા ભારતના વડાપ્રધાને પણ શાંતિની અપિલ કરી છે ત્યારે સુરતની એક 12 વર્ષની વિદ્યાર્થિનીએ પણ રશિયાના રાષ્ટ્રપ્રમુખને પત્ર લખી યુદ્ધ રોકવા માટે વિનંતી કરી છે.
સુરતમાં વરાછા વિસ્તારમાં આવેલી વન્ડરફુલ એકેડમીમાં અભ્યાસ કરતી મનાલી ધકાણે હાલ ચાલી રહેલા યુક્રેન-રશિયા યુદ્ધને રોકવા માટે રશિયાના પ્રેસીડેન્ટ પુતીનને યુદ્ધ વિરામ માટે પત્ર લખ્યો છે. જેમાં મનાલીએ લખ્યું છે કે જ્યારથી યુક્રેન-રશિયાનું યુદ્ધ ચાલુ થયું છે ત્યારથી ન્યૂઝ ચેનલોમાં સમાચાર જોઉં છું, અને ખુબ જ દુઃખની લાગણી અનુભવું છું. તા.26/02/2022 ના વિડીયો જોયો, તેમાં તેઓ કહે છે કે, રશિયન આર્મી પહેલા મને મારશે અને ત્યારબાદ મારા પરિવારને મારશે, જેનાથી હું ખુબ દુઃખી છું, મારું કહેવું છે કે તેમના પરિવાર અને દેશના નાગરિકોનો શું વાંક? બે દેશના આંતરિક પ્રશ્નોને લીધે સામાન્ય નાગરિક ઘર વિહોણા બનશે. માટે મારી આપને બે હાથ જોડીને પ્રાર્થના છે કે, આ યુદ્ધનો અંત લાવશો અને શાંતિ કાયમ કરશો.

