આણંદઃ પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે, ટેકનોલોજીનો વ્યાપ વધતા હવે એ દિવસો દૂર નથી કે પેટ્રોલ-ડીઝલ વગર પણ, સાવ નજીવા ખર્ચમાં લોકો પોતાનું વાહન ચલાવી શકશે. વિખ્યાત ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી-ચારુસેટ સંલગ્ન ચંદુભાઈ એસ. પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી (CSPIT)ના ઈલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જીનિયરીંગ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ દ્વારા અનોખી 2 ઈલેક્ટ્રિક ગોલ્ફ કાર બનાવવામાં આવી છે. આ અગાઉ પણ વિદ્યાર્થીઓએ 1 ઈલેક્ટ્રિક ગોલ્ફ કાર બનાવી હતી. આમ અત્યારે કેમ્પસમાં કુલ ૩ ઈલેક્ટ્રિક ગોલ્ફ કાર કાર્યરત છે.
આ કાર બેટરીથી ચાલે છે. કારમાં એક બેટરી નાખવામાં આવી છે અને આ બેટરી ચાર્જ કરવાનો ખર્ચ માત્ર 16 રૂપિયા થાય છે અને તે ફૂલ ચાર્જ કરવાથી 90 કિલોમીટર ચાલે છે. પ્રદૂષણરહિત અને ધ્વનિરહિત આ 6 સીટર ગોલ્ફ કાર ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જીનિયરીંગ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવી છે.
આ કાર બનાવવામાં 1 માસ થયો હતો. વિદ્યાર્થીઓએ કારની ડિઝાઇન મેન્યુફેક્ચરિંગ અને એસેમ્બલ ચારુસેટમાં વર્કશોપમાં જ કર્યું હતું. કારને જાન્યુઆરી, 2022થી પ્રાયોગિક ધોરણે કેમ્પસમાં ફેરવવાની શરૂઆત કરી હતી. ભવિષ્યમાં બેટરી મેનેજમેન્ટ સિસ્ટમના વધુ રિસર્ચ માટે આ કારનો ઉપયોગ થશે. હાલમાં ચારુસેટ કેમ્પસમાં લોકલ ટ્રાન્સપોર્ટેશન માટે આ કારનો ઉપયોગ કરવામાં આવે છે.
આ કારના નિર્માણમાં પ્રોજેકટ ઇન્ચાર્જ ઇલેક્ટ્રિકલ એન્જીનિયરીંગ ફેકલ્ટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. જિગર સારડા અને લેબ ટેક્નિશિયન (ઇલેક્ટ્રિકલ) કલ્પેશ પટેલ, તિમિલ પટેલ, પ્રગ્નેશ પટેલનું પ્રદાન છે.
આ સિદ્ધિ બદલ કેળવણી મંડળ-ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, ઉપપ્રમુખ સી. એ. પટેલ - અશોક પટેલ - કિરણ પટેલ, ડો. એમ. સી. પટેલ, માતૃસંસ્થા-કેળવણી મંડળ-ચારુસેટ-CHRFના હોદ્દેદારો-પદાધિકારીઓ પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, રજીસ્ટ્રાર ડો. દેવાંગ જોશી વગેરેએ કાર બનાવનારા વિદ્યાર્થીઓની ટીમને અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે.

