નડિયાદ: ઉત્તરસંડાના મઠિયા - ચોળાફળી તેના આગવા સ્વાદને કારણે વિશ્વ કક્ષાએ સ્વાદના શોખીનોમાં પ્રિય બન્યાં છે. આથી દર વર્ષે દિવાળીની સિઝનમાં 3 હજાર કિલો જેટલા મઠિયા, ચોળાફળીની વિદેશમાં નિકાસ થતી હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરસંડાને દિવાળી ફળી છે, અને અહીંના મઠિયા - ચોળાફળીનું દેશવિદેશમાં ધુમ વેચાણ થયું છે. અલબત્ત, કોરોનાકાળ બાદ ડોલરના ભાવમાં વધારો થતા ઇન્ટરનેશનલ કુરિયરના ભાવ પણ વધ્યા છે, જેના કારણે આ વર્ષે નિકાસમાં 1000 હજાર કિલો જેટલો ઘટાડો નોંધાયો છે.
ઉત્તરસંડાના ઉદ્યોગકાર કેતન પટેલે એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ નાનકડા ગામમાં 25 ફેક્ટરીઓ આવેલી છે જે મઠિયા, ચોળાફળી અને પાપડનું ઉત્પાદન કરે છે. અહીંની 5થી 10 ફેક્ટરી તો એવી છે જે બારેમાસ ઉત્પાદન કરે છે જ્યારે અન્ય ફેક્ટરી દિવાળીની સિઝનમાં જ ધમધમતી હોય છે.
દિવાળીના એક મહિના અગાઉ 15 કલાક સુધી ધમધમતી ફેક્ટરીઓમાં 1500 કારીગરો દિવસ-રાત કામ કરે છે. જેમાં 50 ટકા મહિલા કારીગરો છે. આ ફેક્ટરીઓ દિવાળીના એક મહિના અગાઉ દૈનિક 20 ટન (20 હજાર કિલો) ઉત્પાદન કરે છે. કોરોનાકાળ પહેલાં કુલ ઉત્પાદનનો 15થી 20 ટકા હિસ્સો વિદેશમાં નિકાસ થતો હતો. પરંતુ કોરોનાકાળ બાદ ડોલરના ભાવ વધતા કુરિયરના ભાવ પણ વધ્યા જેના કારણે અગાઉ 11 કિલો મઠિયાની અમેરિકા નિકાસ કરવા માટે ગત વર્ષે રૂ. 4,950 ચાર્જ ચૂકવવો પડતો હતો, જે આ વર્ષે વધીને રૂ. 8,250 સુધી ચૂકવવો પડી રહ્યો છે. આ જ કારણથી આ વર્ષે વિદેશથી ઓર્ડર પણ ઓછા આવ્યા છે. પરિણામે કુલ ઉત્પાદનના 10 ટકા જેટલો માલ નિકાસ થાય તેવી શક્યતા છે.
ઉત્પાદકોને કમોસમી વરસાદ પણ નડ્યો
મઠિયા - ચોળાફળીના ઉત્પાદકો કહે છે કે નવરાત્રિ અગાઉ રો-મટીરિયલ ખરીદવાના સમયે વરસાદ પડ્યો, તેના કારણે દાળના ભાવ વધી ગયા હતા. હવે જ્યારે માલ તૈયાર થયો અને બજારમાં વેચવા કાઢ્યો ત્યારે દાળના ભાવ ઉતરી ગયા છે. જેના કારણે તૈયાર માલના વધુ ભાવ લઈ શકાયા નહોતા. પરિણામે આ વર્ષે નફામાં કાપ મુકાયો છે.
એરફેર વધતાં કુરિયર ચાર્જમાં વધારો
ઇન્ટરનેશનલ કુરિયર સર્વિસ પૂરી પાડતા દેવાંગ શાહના જણાવ્યા પ્રમાણે ગત વર્ષની સરખામણીમાં ફ્લાઈટોનાં ભાડાંમાં વધારો થયો છે. બીજી તરફ ડોલરનો ભાવ પણ વધી ગયો છે. ફ્લાઈટના ભાવમાં વધારો થશે, જેના કારણે કુરિયરના ભાવ પર અસર પડી શકે છે.

