અમદાવાદ: રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર અશોક ગેહલોતે ગાંધીનગર ખાતે કોંગ્રેસના સિનિયર આગેવાનો સાથે મેરેથોન બેઠક યોજીને ઉમેદવારોની પસંદગી શરૂ કરી દીધી છે. ગેહલોતે સ્ક્રનિંગ કમિટી સહિતના હોદ્દેદારો સાથે બેઠકોના દોર વચ્ચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે અત્યાર સુધીમાં 65 જેટલાં ઉમેદવારો ફાઈનલ કરી નાંખ્યા હોવાના અહેવાલ છે. કેટલીક બેઠકો ઉપર એક કે તેથી વધુ નામોએ દાવેદારી નોંધાવી હોવાથી હજુ મનોમંથન બાકી છે, કુલ 135 નામો આઈડેન્ટીફાઈ થયા છે.
એક અહેવાલ અનુસાર, કોંગ્રેસ છેલ્લી ઘડીએ ઉમેદવારોના નામ જાહેર કરશે, એટલું જ નહીં પરંતુ જે તે ફાઈનલ થયેલા ઉમદેવારોને વિધાનસભા વિસ્તારમાં અગાઉથી કામગીરી કરવાની તક મળે તે માટે આગોતરી ટેલિફોનિક સૂચના આપી દેવામાં આવશે.
ઉમેદવારોને અત્યારે ટિકિટ ફાઈનલ થયાની જાણ કરાઈ નથી એટલે તેઓ પણ વ્યક્તિગત ખર્ચ કરવાનું ટાળી રહ્યા છે. આ સ્થિતિમાં જે તે જિલ્લા કે શહેર સમિતિ મારફત પક્ષ ખર્ચ ઉઠાવશે તેવી ચર્ચા પણ બેઠકમાં થઈ હતી. ગેહલોતે મોંઘવારી, બેરોજગારી, કોરોનામાં સરકારની નિષ્ફળતા સહિતના મુદ્દે ફોક્સ કરવા નેતાઓને બેઠકમાં તાકીદ કરી હતી.

