ચૂંટણી ટાણે મહેન્દ્રસિંહ વાઘેલા 4 વર્ષે ફરી કોંગ્રેસમાં

Wednesday 02nd November 2022 07:56 EDT
 
 

અમદાવાદ: પૂર્વ મુખ્યમંત્રી તથા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પૂર્વ પ્રમુખ શંકરસિંહ વાઘેલાના પુત્ર અને બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા લગભગ 4 વર્ષ પછી ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે. આમ, મહેન્દ્રસિંહ બીજી વાર કોંગ્રેસમાં જોડાયા છે.
મહેન્દ્રસિંહ વાઘેલા જુલાઈ 2018માં કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. જોકે ભાજપમાં દાળ ન ગળતાં ચૂંટણી ટાણે મહેન્દ્રસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને વિવિધ અટકળો વહેતી થઈ છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે મહેન્દ્રસિંહ વાઘેલાની ઘરવાપસીને આવકારતા જણાવ્યું હતું કે, મહેન્દ્રસિંહ પહેલાની જેમ કામગીરી કરતા હતા તેના કરતાં વધુ સારી કામગીરી કરીને આગળ વધશે. વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતના સામાજિક આગેવાનો એક થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રસિંહ વાઘેલા 2012ની વિધાનસભા ચૂંટણીમાં બાયડ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને 35,923 મતથી વિજયી બન્યા હતા. મહેન્દ્રસિંહ વાઘેલા શરૂઆતમાં કોંગ્રેસમાં જોડાયા હતા અને પછી કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. અવે હવે ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે.


comments powered by Disqus