ભાજપમાં ચૂંટણી લડવા ઉમેદવારોનો ધસારો

Wednesday 02nd November 2022 07:43 EDT
 
 

ગાંધીનગર: રાજ્યના 182 વિધાનસભા મતક્ષેત્રોમાં ભાજપમાં ચૂંટણીલક્ષી ‘સેન્સ’ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ભાજપે 27 ઓક્ટોબરથી બેઠક દીઠ ત્રણ એમ કુલ 123 નિરીક્ષકોને મેદાને ઉતાર્યા હતા. ત્રીજા દિવસના અંતે પ્રાથમિક અંદાજ મુજબ નેતા, કાર્યકરો, પૂર્વ અને વર્તામ ધારસભ્યો મળીને 3000થી વધારે આગેવાનોએ ચૂંટણી લડવા પોતાના બાયોડેટા નિરીક્ષકો સમક્ષ રજૂ કર્યા છે. ઉમેદવારો પસંદગીનો પહેલો તબક્કો પૂર્ણ થતા હવે ઉમેદવારના નામોની પેનલ તૈયાર કરવાની પ્રક્રિયા થશે.

કોથળામાંથી બિલાડું નીકળશે?!

15મી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અનેકવિધ પ્રયોગો કરશે. ગુજરાતમાં 27 વર્ષના શાસનમાં ટિકિટ વહેંચણી, સરકારના રચના, મંત્રીઓને વિભાગની ફાળવણી, સંગઠનમાં નિમણૂંક સહિત અનેક તબક્કે છેલ્લે આશ્ચર્યજનક જાહેરાતો થતી રહી છે. આથી, આ ચૂંટણીમાં પણ દિલ્હી ખાતે મળનારી ભાજપના સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ કોથળામાંથી બિલાડું નિકળે તો નવાઈ નહીં! પ્રદેશ ભાજપના ટોચના નેતાઓ કહ્યુ કે, કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો સમય નક્કી થયો નથી. પરંતુ, અહીં, શનિવારે સાંજે ત્રણ દિવસથી ચાલતી સેન્સની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મોડામાં મોડા બીજી નવેમ્બર સુધીમાં નિરીક્ષકો પોતાને ફાળવેલા જિલ્લાઓમાં બેઠક દીઠ એકત્ર કરેલા દાવાઓની સ્ક્રુટીની કરેલી અહેવાલ સુપરત કરશે. ગાંધીનગરમાં પ્રદેશ પાર્લામેન્ટરી બેઠકમાં જીતી શકે તેવા ઉમેદવારો માટે પાંચ નામોની પેનલ તૈયાર કરીને સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડને સુપરત કરાશે. ચૂંટણીની જાહેરાત બાદ તબક્કાવાર ઉમેદવારોના નામો જાહેર થશે.
દાવેદારીમાં યુવાનો સૌથી આગળ
ઉલ્લેખનીય છે કે ભાજપમાં ત્રણ હજારથી વધુ ટિકિટવાંચ્છુઓમાં સૌથી વધારે યુવાનોએ ઉમેદવારી કરી છે. જો કે, તેમાં મહિલાઓની સંખ્યા જૂજ રહી છે. આ વખતે પૂર્વ મંત્રીઓ સહિત ત્રણ ડઝનથી વધુ ધારાસભ્યોની ટિકીટ કપાશે તેવી શક્યા વ્યક્ત થઈ રહી છે.
વિરમગામમાં હાર્દિક પટેલનો વિરોધ
એક સમયે પાટીદાર નેતા તરીકે જેના નામના સિક્કા પડતા હતા તેવા હાર્દિક પટેલને હવે ભાજપમાંથી વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આંદોલન વેળાએ વિરમગામમાં સામા પ્રવાહે રહીને ભાજપ માટે કામ કરનારા પાટીદારો સહિતના કાર્યકરો, સ્થાનિક હોદ્દેદારોએ હાર્દિક સામે જબરજસ્ત વિરોધ નોંધાવ્યો છે.


comments powered by Disqus