વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વડોદરામાં ભારતીય વાયુ સેના માટે સી-295 એમડબલ્યૂ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરતા કહ્યું હતું કે ભારત દુનિયાનું મોટું મેન્યુફેક્ચરિંગ હબ બનવા જઇ રહ્યું છે. આજે એ દિવસ હું જોઇ રહ્યો છું કે મોટા પેસેન્જર પ્લેન પણ ભારતમાં બનશે જેના પર લખ્યું હશે મેક ઇન ઇન્ડિયા.
મોદીએ શહેરના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે ઉદ્યોગપતિઓ, વેપાર સાહસિકો અને એરફોર્સના અધિકારીઓને કહ્યું હતું કે ભારતમાં દુનિયાનું ખુબ ઝડપથી વિકસિત એવિએશન સેક્ટર છે. એર ટ્રાફિકમાં દુનિયામાં ભારત ત્રીજા સ્થાને પહોંચશે, કરોડો યાત્રીઓ ભારત સાથે જોડાશે. આગામી 10-15 વર્ષોમાં ભારતને 2000થી વધુ પેસેન્જર અને કાર્ગો એરક્રાફ્ટની જરૂર હશે અને આ મોટી જરૂરિયાતો માટે ભારત અત્યારથી જ તૈયારી કરી રહ્યું છે.
ભારતમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ગ્રોથ વધ્યો છે, મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ ગ્લોબ મંત્ર પર આપણે આગળ વધી રહ્યા છે. ઓપરેટિંગ સિસ્ટમમાં પણ સતત સુધારો થઇ રહ્યો છે, લો કોસ્ટ મેન્યુફેક્ચરિંગ, હાઇ આઉટપુટના અવસર આપે છે. છેલ્લા આઠ વર્ષમાં સરકારે અનેક સુધારાઓ કર્યા છે જેનાથી મેન્યુફેક્ચરિંગનું વાતાવરણ ઊભું થયું છે. દેશમાં આજે ઇકોનોમી રિફોર્મ્સની નવી ગાથા લખાઇ છે તેનો ફાયદો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને મળે છે.
તેમણે ઉમેર્યું હતું કે દેશમાં સૌથી મોટી માનસિકતા બદલાઇ છે કે સરકારો બધું જ ચલાવે આ માઇન્ડસેટને દબાવી દીધું, હવે બધાનો સાથ લઇને અમે આગળ વધીએ છીએ. પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરને મહત્વ અપાય છે. અગાઉની સરકારો સમસ્યાઓને ટાળી દેતી હતી સબસિડી આપીને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને ચાલુ રાખતા નુકસાન વધતું ગયું, આજનું ભારત નવું માઇન્ડસેટ, નવા વર્ક કલ્ચર સાથે કામ કરે છે. પહેલા માઇન્ડસેટ એવું હતું કે ભારત મેન્યુફેક્ચરિંગ સારું ના કરી શકે માત્ર સર્વિસ સેક્ટર પર ધ્યાન આપવું જોઇએ પરંતુ આજે બંને સેક્ટરો આપણે સારી રીતે સંભાળીએ છીએ.
તેમણે કહ્યું હતું કે વિકાસના હોલિસ્ટિક એપ્રોચને અપનાવવો જોઇએ. અગાઉ ભારતીય સ્કીલને બહુ મહત્વ અપાતું ન હતું પરંતુ હવે સ્થિતિ આજે અલગ છે. સેમિકન્ડક્ટરથી માંડી એરક્રાફ્ટ ક્ષેત્રે આપણે આગળ વધી રહ્યા છે જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી નીતિઓનું ફળ છે. છેલ્લા આઠ વર્ષમાં 160 વિદેશની કંપનીઓએ ભારતના 31 રાજ્યોમાં 60 સેક્ટરોમાં રોકાણ કર્યું છે. 14 વર્ષની તુલનામાં 8 વર્ષમાં પાંચ ગણું ભારતમાં રોકાણ થયું છે.
માત્ર એરોસ્પેસ ક્ષેત્રમાં 3 બિલિયન ડોલરથી વધુનું રોકાણ થયું છે જે વર્ષ-2002થી 2014ની સાપેક્ષે પાછલા આઠ વર્ષમાં પાંચ ગણું વધ્યું છે. વર્ષ-2025 સુધી સંરક્ષણ ઉત્પાદનને 25 બિલિયન ડોલર સુધી લઇ જવાનું લક્ષ્ય છે. દેશની સંરક્ષણ નિકાસ પણ પાંચ બિલિયન ડોલરને વટાવી જશે.
રૂ. 22000 કરોડનું રોકાણ, એરફોર્સ માટે સી-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનશે
મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાની સરકારની નીતિના ભાગરુપે વડોદરામાં ભારતીય વાયુ સેના માટેના સી-295 પ્રકારના ટ્રાન્સપોર્ટ પ્લેન બનાવવામાં આવશે. 22000 કરોડ રૂપિયાના રોકાણવાળા આ પ્રોજેક્ટનો શિલાન્યાસ વડાપ્રધાન મોદીના હસ્તે થયો છે. ઉલ્લેખનીય છે કે, કેબિનેટની સિક્યુરિટી કમિટિએ આઠ સપ્ટેમ્બર, 2021ના રોજ સ્પેનમાં કાર્યરત એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ કંપની પાસેથી 56 સી-295 પ્રકારના ટ્રાન્સપોર્ટ એરક્રાફટ મેળવવાની દરખાસ્ત મંજૂર કરી હતી. તે પછી 24સપ્ટેમ્બર, 2021ના રોજ સંરક્ષણ મંત્રાલયે સ્પેર પાર્ટસ સહિતના વિમાનો મેળવવા એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ સાથે કરાર કર્યા હતા.
સરકારના સંરક્ષણ સચિવ ડો.અજય કુમારે જણાવ્યું હતું કે, 56 પૈકીના 16 વિમાનો એરબસ કંપની સ્પેનમાં તૈયાર કરીને ભારતને પૂરા પાડશે અને બાકીના 40 વિમાનો કરારના ભાગરૂપે ભારતીય એરક્રાફટ કોન્ટ્રાકટર અને ટાટા ગ્રૂપની કંપની ટાટા એડવાન્સ સિસ્ટમસ લિમિટેડ દ્વારા વડોદરામાં બનાવવામાં આવશે. ખાનગી કંપની દ્વારા ભારતમાં સેનાના ઉપયોગ માટેના વિમાનોનું ઉત્પાદન કરવામાં આવે તે પ્રકારના આ વિમાનોનો ઉપયોગ નાગરિક પરિવહન માટે પણ થઈ શકશે. તુરત ઉપયોગમાં લઇ શકાય તેવા પ્રથમ 16 તૈયાર વિમાનો સપ્ટેમ્બર-2023થી ઓગસ્ટ-2025 દરમિયાન ભારતને મળશે. જ્યારે બાકીના 40 પૈકીનું ભારતમાં નિર્માણ પામેલું પહેલુ વિમાન સપ્ટેમ્બર 2026 સુધીમાં સેનાને મળી જશે. આ પ્રોજેકટના કારણે ભારતીય પ્રાઈવેટ સેક્ટરને સ્ટેટ ઓફ ધ આર્ટ ટેકનોલોજીવાળા એવિએશન સેક્ટરમાં પ્રવેશની તક મળશે. સાથે સાથે ડિફેન્સ સેક્ટરમાં ભારતની આયાત પરની નિર્ભરતા પણ ઘટશે.

