યુગાન્ડામાં પોલીસ અધિકારીએ સોપારી લીધીઃ ખેડાના યુવકની ગોળી મારી હત્યા કરી

Wednesday 02nd November 2022 08:07 EDT
 
 

નડિયાદ: આફ્રિકાના યુગાન્ડાના કિશોરો શહેરમાં યુવા ગુજરાતી વેપારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બાઇક પર આવેલ પોલીસકર્મીએ જ બે રાઉન્ડ ફાયરીંગ કરતા યુવક ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો, જેનું સારવાર દરમિયાન મોત નિપજયું છે. પોલીસ ટીમે ગોળી મારીને હત્યા કરનાર ઈસમની ધરપકડ કરી હુમલાખોર પોલીસ અધિકારી હોવાનું ખૂલ્યું હતું.
ઠાસરા તાલુકાના સાંઢેલી ગામના વિનલ પટેલના જણાવ્યા મુજબ તેમનો ભત્રીજો કુંતજ પટેલ (24) આફ્રિકાના યુગાન્ડાના કિશોરો શહેરમાં મ્યુનિસિપાલિટી વિસ્તારમાં હાર્ડવેરની દુકાનમાં નોકરી કરતો હતો. 27 ઓક્ટોબરે બપોરે તે સ્ટોર પર હતો તે દરમિયાન ગુમિઝામુ નામનો શખસ ત્યાં ધસી આવ્યો હતો અને તેણે પિસ્તોલ કાઢીને બે રાઉન્ડ ગોળી છોડીને નાસી ગયો હતો.
આ બનાવ અંગેની તપાસ દરમિયાન ગોળી મારનાર હુમલાખોર એક ટોળા સાથે બાઇક પર દેખાયો હતો અને તે કુંજની હાર્ડવેરની દુકાનમાં પ્રવેશ કરી બંદૂક કાઢી બે રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતું. હુમલાખોરની એક ગોળી કુંજને હાથ પર લાગી હતી જ્યારે બીજી છાતીમાં વાગતાં તે લોહીલુહાણ થઇ ગયો હતો.
પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે ગોળી મારનાર ગુમિઝામુ ફિલ્ડ ફોર્સ યુનિટ (FFU) વિભાગમાં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવે છે. પૂછપરછમાં ગુમિઝામુએ સ્વીકાર્યું હતું કે તેણે એક વેપારી દ્વારા ભાડે રાખવામાં આવ્યો હતો. જેને 20 મિલિયન શિલિંગ (ભારતીય ચલણમાં આશરે રૂ. 4.50 લાખ)માં હત્યાનો કોન્ટ્રાક્ટ લીધો હતો.
સાંઢેલીનો કુંતજ 4 વર્ષ પહેલાં આફ્રિકા ગયો હતો
મુળ ઠાસરા તાલુકાના સાંઢેલી ગામના કુંતજ પટેલે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. જે લગ્ન બાદ પત્ની પ્રેક્ષા સાથે આફ્રિકા ગયો હતો. ચાર વર્ષથી દંપતી ત્યાં જ સ્થાયી થયા હતા. 27 ઓક્ટોબરે બપોરે બનેલી ઘટના બાદ હવે તેની પત્નીને માથે મોટી આફત આવી પડી છે.


comments powered by Disqus