કેવડિયા કોલોની: સરદાર પટેલની જન્મ જયંતી - એકતા દિવસ એ ફક્ત તારીખ નથી, પરંતુ ભારતના સાંસ્કૃતિક સામર્થ્યનું મહાપર્વ છે તેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદારની જન્મજયંતી પ્રસંગે સોમવારે એકતાનગરમાં યોજાયેલી રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલ્યા બાદ રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, 2022ના વર્ષનો આ એકતા દિવસ આપણા માટે વિશેષ દિવસ છે, આ વર્ષમાં આપણે આપણી આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. આપણી સ્વતંત્રતાની લડાઈ સરદાર પટેલ જેવા નેતાઓના નેતૃત્વમાં ન લડાઈ હોત તો પરિસ્થિતિની કલ્પના કરવી મુશ્કેલ છે. તેમ જણાવીને ઉમર્યું હતું કે, જો 550થી વધુ રજવાડાઓનું વિલિનીકરણ ના થયું હોત તો શું થાત? એ કલ્પના કરવી જ મુશ્કેલ છે. સરદાર પટેલે આ અશક્ય લાગતું કાર્યને પૂર્ણ કરી સમગ્ર ભારતને એક તાંતણે જોડ્યું હતું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની એકતા દુશ્મનોને ખટકે છે. ગુલામીના કાલખંડમાં પણા એકતા દુશ્મનોને ચૂભતી હતી. તેથી જ બહારના લોકોએ ભારતને તોડવા માટે અનેક પ્રયાસો કર્યા, તેની સામે આપણે આપણી એકતાના અમૃતના કારણે તેનો મક્કમતાથી સામનો કરી શક્યા હતા. દેશને કમજોર કરનારી તાકાત એ ગુલામીની માનસિકતા, વ્યક્તિગત સ્વાર્થ અને ભ્રષ્ટાચારના રૂપમાં આપણી સામે આવે છે. તેની સામે આપણે ભારત માતાના સંતાનો તરીકે એકજૂટ બની જવાબ આપીને સરદાર પટેલે દેશની એકતાને મજબૂત કરવા માટે આપણને સોંપેલું દાયિત્વ આપણે બખૂબી નિભાવવું પડશે.
વડાપ્રધાન મોદીએ કેન્દ્ર સરકારની પ્રત્યેક લોકોના વિકાસ માટેની સર્વ વિકાસની વિભાવના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દેશમાં ભાષા-ભોજન ભલે અલગ હોય, પરંતુ આજે તમામ લોકો સુધી સરકારની નીતિ-યોજનાને પહોંચાડી તેમને વિકાસની મુખ્ય ધારામાં જોડવાનું કાર્ય થઈ રહ્યું છે. દસકાઓ સુધી ઉપેક્ષિત પ્રત્યેક સમાજને પ્રાધાન્ય આપી તેને વિકાસની તરાહમાં જોડ્યા છે. સરકારની યોજનાઓનો લાભ તમામ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે એક મિશનના રૂપમાં કાર્ય થઈ રહ્યું છે. આ મિશન એ દેશના સંવિધાનમાં સામાન્ય માનવીના વિશ્વાસનું માધ્યમ બની રહ્યું છે.
મોદીએ જણાવ્યું હતું કે, કોઈ પણ સમાજની તાકાત એ તેની એકતામાં રહેલી છે. દેશની એકતા એકજૂટતા એ આપણા સૌનું સામૂહિક દાયિત્વ છે. કેવડીયા ખાતે લોકોની એકતાથી વિકસિત બનેલું એકતાનગર એ આજે ભવ્ય અને દિવ્ય બની રહ્યું છે.
‘મારું મન મોરબીના પીડિત પરિવારો સાથે છે’
હું એકતા નગરમાં છું પણ મારું મન મોરબીના પીડિતો સાથે છે તેવા કરુણાભર્યા શબ્દો સાથે, પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીએ એકતાનગરમાં મોરબીની દુર્ઘટના અંગે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જીવનમાં ઘણી ઓછી વાર મેં આવી પીડા અનુભવી છે, દિલ દર્દથી ભરેલું છે અને બીજી તરફ કર્તવ્ય પથની વ્યસ્તતા છે. મારું કરુણાભર્યું મન પીડિત પરિવારો સાથે છે. આ સંકટની ઘડીએ ભારત સરકાર તમામ પ્રકારે પીડિત પરિવારોની સાથે છે અને કેન્દ્ર સરકાર ગુજરાતની પડખે રહેશે.

