સુરત: પંજાબની જેમ ગુજરાતમાં આમ આદમી પાર્ટી (‘આપ’) લોકોના અભિપ્રાયના આધારે મુખ્ય પ્રધાનપદનો ચહેરો નક્કી કરશે અને તેનું નામ જાહેર કરશે. આમ આદમી પાર્ટીએ એક ફોન નંબર જાહેર કરી ‘આપ’ના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર કોણ હોવા જોઈએ તે અંગે લોકો પાસે મત માંગ્યો હતો. હવે ચોથી નવેમ્બરે આમ આદમી પાર્ટી મુખ્ય પ્રધાનપદનો ચહેરો જાહેર કરશે.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સુરતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. આમ આદમી પાર્ટીની સરકાર બનવાનું નક્કી છે ત્યારે મુખ્ય પ્રધાન કોણ હશે તે ખુદ જનતા જ નક્કી કરે. ગુજરાતના લોકો પાસેથી ટેલિફોન પર તેમનો મત માગ્યો છે. એસએમએસ, વોઇસ મેસેજ કે વોટ્સ અપ મેસેજથી લોકો પોતાનો અવાજ રજૂ કરી શકશે. ત્રીજી નવેમ્બર સાંજે પાંચ વાગ્યા સુધી લોકો અલગ અલગ માધ્યમથી આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રધાનપદના ચહેરા અંગે પોતાનો મત આપી શકશે. લોકોના મતના આધારે ચોથી નવેમ્બરે આપ મુખ્ય પ્રધાનપદનો ઉમેદવાર જાહેર કરશે.

