ડાકોર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમયની જરૂરિયાત મુજબ ડિજિટલ યુગમાં ઘરે બેઠા શિક્ષણ મળે તેવી વ્યવસ્થાઓ ઊભી કરી શિક્ષણને વધુ સુલભ અને સરળ બનાવ્યું છે. છાત્રોની તમામ પ્રકારની જરૂરિયાતોને રાજ્ય સરકાર દ્વારા ધ્યાને રાખવામાં આવી રહી છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નડિયાદમાં મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાક્ષર નગરી નડિયાદમાં મહાગુજરાત મેડિકલ સોસાયટી સંચાલિત મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પદ્મશ્રી પુરસ્કૃત ડો. હર્ષદભાઈ દેસાઈનું સન્માન કર્યું હતું. મુખ્યમંત્રીએ નડિયાદની ધરતી અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબ, મહા ગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિક, જાણીતા સાક્ષરો ગોવર્ધનરામ ત્રિપાઠી અને બકુલભાઈ ત્રિપાઠી, મણિલાલ દ્વિવેદી જેવા અનેક માનવરત્નોનું આઝાદીના અમૃતકાળે મુખ્યમંત્રીએ સ્મરણ કરી તેમના યોગદાનને બિરદાવ્યું હતું. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના પણ નડિયાદની ભૂમિ પર કરી હોવાનો તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો.
ચારૂસેટ યુનિ.ના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે ખાનગી યુનિવર્સિટીઓ થકી યુવાનો વૈશ્વિકસ્તરે પ્રતિસ્પર્ધા કરવા માટે સક્ષમ બન્યા છે. તેમણે ઉમેર્યું કે કોરોનાકાળ પછી આયુર્વેદનું મહત્ત્વ વધ્યું છે ત્યારે નડિયાદમાં નવી આયુર્વેદ યુનિવર્સિટીનું અનેકગણું મહત્ત્વ છે.

