શ્રાવણના પહેલા સોમવારે ભક્તોનું સોમનાથમાં ઘોડાપૂર

Thursday 04th August 2022 02:44 EDT
 
 

વેરાવળઃ શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારે 4 વાગ્યે જગવિખ્યાત સોમનાથ મંદિરના દ્વાર ખૂલ્યા હતા ત્યારથી જ શિવભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડેલ જોવા મળતું હતું. સોમનાથ મંદિર અને પરિસર દેશ-વિદેશમાંથી આવેલા ભાવિકોને હરહર મહાદેવ અને જય સોમનાથના નાદથી ગુંજી ઉઠતા વાતાવરણ શિવમય બની ગયુ હતું. વહેલી સવારે 7 વાગ્યે સોમનાથ મહાદેવને અલોકીક પ્રાતઃ શણગાર કરવામાં આવેલ બાદ મહાપુજન કરવામાં આવેલ હતા.
ત્યારબાદ સવારે નવ વાગ્યે સોમનાથ મહાદેવને પાલખીયાત્રા નિકળી હતી. જેમાં સ્વયં મહાદેવ પાલખીયાત્રા સ્વરૂપે મંદિર પરિસરમાં નગરચર્યાએ નિકળા હતા. ત્યારબાદ બપોરે 11.30થી મહાદેવને મધ્યાહન મહા પૂજન અને આરતી કરવામાં આવી હતી. તો વહેલી સવારથી સોમનાથ મંદિર ખાતે અવિરત ભાવિકોનો સમુહ ઉમટી રહેલ નજરે પડતો હતો.
મહાદેવને ખાસ હાલારી પાઘ અર્પણ
શ્રાવણ માસના પ્રથમ સોમવારે જામનગરના જાડેજા પરિવારના સભ્યો દ્વારા સોમનાથ મહાદેવને ભવ્ય હાલારી પાઘ અર્પણ કરવામાં આવી હતી. આ પાઘડી મધ્યાહ્નન સમયે સોમનાથ મહાદેવને શણગારમાં ચડાવવામાં આવી હતી. વર્ષોથી જામનગરનો જાડેજા પરિવાર સોમનાથના સ્વર્ગીય ટ્રસ્ટી દિગ્વિજયસિંહ જામની સ્મૃતિમાં હાલારી પાઘ અર્પણ કરે છે. આ તકે ગૌમાતા લંપી સ્કિન ડીસીસમાંથી મુક્ત થાય તેવી મુખ્ય પ્રાર્થના સાથે જાડેજા પરિવારે સોમનાથ મહાદેવને પાઘ અર્પણ કરી હતી.


comments powered by Disqus