3 જૂનથી અમદાવાદ-બેલગામ વચ્ચેની વિમાની સેવાને ભુજ સુધી લંબાવાશે

Tuesday 03rd May 2022 15:44 EDT
 
 

ભૂજઃ સ્ટાર એર દ્વારા ત્રીજી જુનથી ભુજથી અમદાવાદ અને કર્ણાટક-બેલગામ વચ્ચે સપ્તાહમાં પાંચ દિવસની વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદથી કર્ણાટક સેકટર પર ચાલતી ફલાઇટને ભુજ સુધી લંબાવતા કચ્છના પ્રવાસીઓને રાહત થશે. કચ્છના પ્રવાસીઓને અમદાવાદ સુધીની વિમાની સેવા ઉપલબ્ધ થવા સાથે કોલ્હાપુર, હુબલી, ગોવા તરફ જવા માગતા પ્રવાસીઓની  સુવિધામાં પણ વધારો થશે. સંજય ઘોડાવત ગ્રુપની સ્ટાર એર દ્વારા કચ્છ-ભુજને જોડતી વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદથી દર સોમવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારના ભુજ માટે ફલાઇટ 11 કલાકે ઉપડી 12 વાગ્યે ભુજ પહોંચશે, તો ભુજથી ફલાઇટ 12.30 વાગ્યે અમદાવાદ માટે રવાના થઇ 1.30 વાગ્યે અમદાવાદ પહોંચશે. જયારે બુધવારના આ ફલાઇટ અમદાવાદથી 16.10 કલાકે ઉપડી 17.10 કલાકે ભુજ પહોંચશે અને ફરતે ભુજથી 17.35 કલાકે ઉપડી 18.35 કલાકે અમદાવાદ પહોંચશે. બીજી તરફ કર્ણાકટ-બેલગામથી દર સોમવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર સવારના 9.10 કલાકે અમદાવાદ  આવતી ફલાઇટને ભુજ સુધી લંબાવવામાં આવી છે. 


comments powered by Disqus