કુંવરજી બાવળીયા સામે પાટીલથી લઈ મોદી સુધી ફરિયાદ

Tuesday 03rd May 2022 15:39 EDT
 

રાજકોટઃ રાજકોટ જિલ્લા ભાજપમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા સામે ભાજપના જ પૂર્વ મહામંત્રીએ ગંભીર આક્ષેપો કર્યા છે કે કુંવરજીભાઈ વીંછિયામાં શૈક્ષણિક સંકુલને પાણીથી વંચિત રાખે છે'. વીંછિયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભૂપત કેરાળિયાએ PM નરેદ્ર મોદી તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને આ મામલે પત્ર પણ લખ્યો છે. આ ઉપરાંત નર્મદાનું પાણી ન મળે એ માટે થોરિયાળી ગામ તરફની નવી એક પાઇપલાઈન નાખવા માટે કુંવરજી બાવળિયા પ્રયાસ કરતા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ મુદ્દે કુંવરજી બાવળિયાએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે પાણીપુરવઠા વિભાગ દ્વારા અગાઉથી ઠરાવ કરી દીધો છે છતાં મારા વિરુદ્ધ ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે.
આ અંગે વીંછિયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભૂપત કેરાળિયાએ મીડિયાને જણાવ્યું હતું કે ગુજરાતની એકપણ શૈક્ષણિક સંસ્થાનાં બાળકો પીવાના પાણીથી વંચિત ન રહે એ માટે આજથી 15 વર્ષ અગાઉ ઉમિયા શૈક્ષણિક સંકુલને ભાજપ સરકાર દ્વારા પીવાના પાણીની મંજૂરી આપવામાં આવેલી, પરંતુ કુંવરજીભાઈ ગુજરાત સરકારમાં પાણીપુરવઠામંત્રી તરીકે હતા એ સમયે જસદણ/વીંછિયા તાલુકામાં શૈક્ષણિક સંસ્થાઓની માગણી હોવા છતાં એકપણ નર્મદા પાણીનું કનેકશન આપી શક્યા નથી અને જે પાણીના કનેકશન ભાજપ સરકારે આપેલા છે એ યેન કેન પ્રકારેણ બંધ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે.


comments powered by Disqus