નવીદિલ્હીઃ દેશમાં કોઈપણ વ્યક્તિને કોરોનાની વેક્સિન લેવા ફરજ પાડી શકાય નહીં તેવો મહત્ત્વનો ચુકાદો સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે કોઇ વ્યક્તિને કોરોનાની રસી લેવા માટે દબાણ ન કરી શકાય. સુપ્રીમે જણાવ્યું હતું કે બંધારણના આર્ટિકલ 21 હેઠળ શરીરની અખંડિતતાને રક્ષણ આપવામાં આવ્યું છે. હાલમાં દેશમાં જ્યારે કોરોના માથું ઉચકી રહ્યું છે ત્યારે સુપ્રીમનો આ નિર્દેશ મહત્વનો છે. સુપ્રીમે સ્પષ્ટ કર્યું છે કે કોરોનાની રસી નહિ લગાડનાર લોકોને જાહેર સ્થળોએ જવા સામે પ્રતિબંધ ન મુકી શકાય. તેણે આવા પ્રતિબંધો મુકનાર રાજ્યોને તેને દૂર કરવાની પણ સૂચના આપી છે. કોર્ટે હાલના આદેશોની સમીક્ષાની સલાહ આપી હતી અને કહ્યું કે રસીકરણ નહિ કરાયેલા લોકો પર કોઇ નિયંત્રણ લાદી ન શકાય. વેક્સિન નહીં લેનાર વ્યક્તિ વેક્સિન લીધેલી વ્યક્તિ કરતાં વધુ વાઈરસ અને સંક્રમણ ફેલાવે છે. તેવો કોઈ ડેટા કે પુરાવા સરકારે પ્રસિદ્ધ કર્યા નથી. આથી વેક્સિન નહીં લેનાર વ્યક્તિને જાહેર સ્થળોએ જવા રોકી શકાય નહીં.

