અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણીઓને પગલે ભાજપના દિગ્ગજ નેતાઓના ગુજરાતના આંટાફેરા વધ્યા છે. ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના નેતૃત્વમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની પેટાચૂંટણી ભાજપ જીત હાંસલ કરી છે. આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ય ભાજપનો વિજય નિશ્ચિત છે. તેમણે ઉમેર્યું કે, પ્રજાનો વિષય હોય કે પછી પક્ષની વાત હોય. ગુજરાત ભાજપની પ્રયોગશાળા રહી છે. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યોથી ભાજપ જીત મેળવે છે.
જે.પી. નડ્ડાએ પત્રકાર પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગર્વનન્સ મોડેલની પ્રશંસા કરતાં કહ્યું કે, ગુજરાતમાં જે મોડેલ મોદીએ સ્થાપિત કર્યું તેનું પ્રતિબિંબ આજે સમગ્ર દેશમાં જોવા મળી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સમુદાય પણ આજે ગુજરાત આવે છે અને ગુજરાતના મોડેલને સમજવાનો પ્રયત્ન કરે છે.

