અમદાવાદઃ રાજ્યના પાટનગર ગાંધીનગરને બદલે જિલ્લામથક પર રાષ્ટ્રીય પર્વ ઉજવવાની પરંપરાને ભાગરૂપે પાટણ શહેરમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
વિકાસના કામોની જાહેરાત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પાટણ જિલ્લામાં પાણી પુરવઠા, ડ્રેનેજ, તથા તળાવોના નવીનીકરણના કામો સહિત જનસુખાકારીના કામો રૂ. 140.68 કરોડના ખર્ચે કરાશે. માત્ર પાટણ શહેરમાં જ પાણી પુરવઠા અને ડ્રેનેજના કામો માટે રૂ. 127 કરોડ વપરાશે. સિદ્ધપુર નગરપાલિકામાં પાણી પુરવઠાના કામો માટે રૂ. 86 લાખ, ચાણસ્મા નગરપાલિકામાં પાણી પુરવઠાના કામો માટે રૂ. 6.41 કરોડ અને તળાવના નવીનીકરણ માટે રૂ. 1 કરોડ ફાળવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ એવી ય જાહેરાત કરી હતી કે પાટણ જિલ્લામાં ફાયર ફાઈટિંગની સંભવિત ઘટનાઓમાં આત્મનિર્ભર બનાવવા રૂ. 5 કરોડના ખર્ચે મોડેલ ફાયર સ્ટેશન બનાવવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે છેલ્લા બે દાયકામાં વિકાસ કેવો હોય, વિકાસ કોને કહેવાય, એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વને દેખાડ્યું છે.
અગાઉની સરખામણીમાં વિકાસની ગતિને વધુ વેગવાન બનાવવા ભાજપ સરકારે ઘણા નિર્ણય લીધા છે. જેના લીધે ગુજરાત આજે વિકાસની નવી ઊંચાઈ આંબી રહ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પાટણમાં શરૂ કરાયેલું સાયન્સ સેન્ટર વિદ્યાર્થીઓ માટે આગવું આકર્ષણ બની રહેશે. આ અવસરે મુખ્યમંત્રીએ અતુલ્ય વારસો પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, આગામી દિવસોમાં 25 જિલ્લાઓમાં સાયન્સ સેન્ટર શરૂ કરાશે.
સ્થાપના દિવસે સમરસતા ભોજનની પરંપરા શરૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી સહિત બધાય મહાનુભાવોએ સામાન્ય પરિવારની મહિલાઓએ ઘેર બનાવેલ ભોજનનો સ્વાદ માણ્યો હતો.

