શ્રીનગર: સલામતી દળોને જમ્મુ-કાશ્મીરના કુલગામ અને શ્રીનગરમાંથી બે 'હાઈબ્રિડ આતંકી'ઓને ઝડપી લેવામાં સફળતા મળી હતી. કાશ્મીર ઝોન પોલીસે તેના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું હતું કે, કુલગામ પોલીસ અને આર્મી (૩૪ આરઆર)એ લશ્કર-એ-તોયબાના હાઈબ્રિડ આતંકી યામિન યુસુફ ભટની કુલગામથી ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું કે, અન્ય એક હાઈબ્રિડ આતંકીની શ્રીનગરમાંથી ધરપકડ કરાઈ હતી. બીજીબાજુ પોલીસે કહ્યું કે, માન્ય દસ્તાવેજો સાથે પાકિસ્તાન જઈને આતંકી બની ખીણમાં ઘૂસેલા ૧૭ સ્થાનિક યુવાનો એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. આઈએસઆઈએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને સ્વદેશી ચળવળ ગણાવવા માટે અહીંના સ્થાનિક યુવાનોને ઉશ્કેરવાની નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે, જે ચિંતાજનક છે.
પોલીસે જણાવ્યું હતું કે, ગુપ્ત માહિતીના આધારે કુલગામ પોલીસ અને ૩૪ રાષ્ટ્રીય રાઈફલના જવાનોએ કુલગામમાંથી આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાના એક એવા હાઈબ્રિડ આતંકી યામિન યુસુફ ભટની ધરપકડ કરી છે, જે તેના પાકિસ્તાની આકાઓના ઈશારે કાશ્મીર ખીણમાં કામ કરતો હતો. યામિન યુસુફ ભટ પાકિસ્તાની આતંકીઓ સાથે તોયબાના સ્થાનિક આતંકીઓના સંપર્કમાં હતો. સ્થાનિક આતંકીઓએ તેને હુમલો કરવાનું કામ સોંપ્યું હતું.
