સંદેશ: બનાસકાંઠાના ડીસામાં 16 માસ પહેલા મૂકબધીર બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચાર્યા બાદ ગળુ કાપીને ક્રૂરતા પૂર્વક હત્યા કરનાર નીતિન માળીને ડીસાની બીજી એડિશનલ સેસન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. બનાસકાંઠામાં દુષ્કર્મ વિથ મર્ડરના ગુન્હામાં આ પ્રથમ ફાંસીની સજા સંભળાવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. ડીસાની બીજી એડિશનલ સેસન્સ કોર્ટ દ્વારા આજે ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. અપહરણ, દુષ્કર્મ અને હત્યાના ગુન્હાઓમાં કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.
બનાસકાંઠાના ડીસામાં 16 ઓક્ટોબર, 2022ના રોજ નીતિન માળી નામના શખ્સે તેના સગા મામાની મુકબધીર દીકરીને તેના જ મામાના ઘરે રસોડામાં બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ આ મુકબધીર બાળકી શખ્સની કરતૂતો જાહેર ન કરી દે, તે માટે નીતિન તેનું અપહરણ કરીને ડીસાથી 10 કિલોમીટર દૂર ભાખર ગામ લઈ ગયો હતો. જ્યાં પહોંચી રાત્રિના અંધકારમાં નીતિન માળીએ આ મૂકબધિર બાળા પર ફરીથી દુષ્કર્મ આચર્યું હતું અને પછી બાળકીનું ગળું કાપીને તેની નિર્મમ હત્યા કરી દીધી હતી.
એક તરફ આ મૂકબધીર બાળા ગુમ થતાં તેના પરિવારના સભ્યો આખી રાત શોધખોળ ચલાવી રહ્યા હતા. બીજી તરફ નીતિન મૂકબધિર બાળાની હત્યા કર્યા બાદ વહેલી સવારના પરત પોતાના ઘરે પહોંચી ગયો હતો. વહેલી સવારના સમયે આ મૂકબધિર બાળાની લાશ ભાખર નજીકથી મળી આવતા તેના પરિવારજન ભાખર પહોંચ્યા હતા. આ ઘટના બન્યા બાદ તેના ઘેરા પ્રત્યાઘાતો ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પડ્યા હતા અને આ મૂકબધિર બાળા પર આટલું ક્રૂરતા પૂર્વકનું કૃત્ય આચરવા બદલ કોર્ટે મૃત્યુ દંડની સજા ફટાકરી સમાજમાં એક ઉદાહરણ બેસે અને ભવિષ્યમાં આવા ગુનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ફાંસીની સજા ફટકારી હતી.

