પાટણ: પાટણ શહેરમાં ગુજરાત ગૌરવ દિવસની ઊજવણી રાજ્યપાલ સહિત મુખ્યમંત્રી અને વિવિધ મંત્રીઓની ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સાથે કોંગ્રેસના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ અને ચંદનજી ઠાકોરે મુલાકાત કરતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અનેક રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. પાટણ અને સિદ્ધપુર કોંગ્રેસી ધારાસભ્યો દ્વારા ગુજરાત સ્થાપના દિવસની ઊજવણી પ્રસંગે પાટણ ખાતે ઉપસ્થિત રહેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીની મુલાકાતની બાબત ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે. આ બાબતે સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે, ધારાસભ્યો તરીકેની અમારી પ્રથમ ફરજ છે કે ગુજરાતના સ્થાપના દિવસની ઊજવણી વખતે હાજર રહેવું.

