પટણાઃ પ્રથમ ભાજપ, તે પછી કોંગ્રેસ અને જેડીયૂ માટે ચૂંટણી વ્યૂહરચનાઓ ઘડી ચૂકેલા પ્રશાંત કિશોર હવે અન્ય પક્ષો માટે ચૂંટણી વ્યૂહ નહીં ઘડે. પ્રશાંત કિશોર હવે પોતાના પક્ષ માટે જ ચૂંટણી વ્યૂહો ઘડશે. પ્રશાંત કિશોરે ટ્વિટ કરીને આ દિશાના સંકેત આપ્યા હતા. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે જનતા વચ્ચે જવાનો સમય પાકી ગયો છે. તેની શરૂઆત બિહારથી થશે. પ્રશાંત કિશોર આ પહેલા જ જણાવી ચૂક્યા હતા કે બીજી મેના રોજ તેઓ સસ્પેન્સ પરથી પરદો ઊંચકી લેશે.
પ્રશાંત કિશોરે હવે ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, ‘લોકશાહીમાં પ્રભાવશાળી યોગદાન આપવાની મારી ભૂખ અને લોકો માટેની કાર્યનીતિ ઘડી કરવામાં મદદરૂપ થવાની સફર ખૂબ ઉતાર ચઢાવભરી રહી. આજે પાના ફેરવું છું તો લાગે છે કે હવે મુદ્દા અને જનસુરાજના માર્ગને બહેતર રીતે સમજવા માટે અસલી માલિકો વચ્ચે જવાનો સમય પાકી ગયો છે. લોકોની સમસ્યાને લોકોની વચ્ચે પહોંચીને વધુ સારી રીતે સમજી શકાશે. તેમણે એમ પણ લખ્યું કે બિહારથી શરૂઆત કરવામાં આવશે. પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવા ઇનકાર કર્યા પછી એવી અટકળો હતી કે તે પોતાનો પક્ષ રચશે.

