નવીદિલ્હી: ભારતની રાજધાની ખાતે ચાલી રહેલા રાયસીના સંવાદમાં ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે યુરોપીય દેશો અને અમેરિકાને અરીસો બતાવ્યો હતો. 90થી વધારે દેશોના રાજદૂતો, શિક્ષણવિદો, મંત્રીઓ અને રાજકીય પ્રતિનિધિઓ સાથેની ચર્ચામાં ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે, રશિયા અને યૂક્રેન યુદ્ધ અંગે તેની રણનીતિ સ્પષ્ટ છે. તે યુદ્ધ ઇચ્છતું નથી અને ચર્ચા દ્વારા તેનો ઉકેલ લાવવા માગે છે. જયશંકરે કહ્યું કે, ભારત હવે યુરોપિયન દેશો કે અમેરિકાના ઇશારે કામ કરનારો દેશ નથી. ભારતને કોઈ દબાવી શકે તેમ નથી. અમે યુરોપને કે અમેરિકાને આનંદ આપવા માટે સર્જાયેલા નથી. તેમણે આગઝરતા સવાલો પણ કર્યા હતા કે, ભારતમાં અને એશિયામાં જ્યારે સંકટ આવ્યું હતું ત્યારે તમે બધા ક્યાં હતા. ત્યારે તમારી નીતિઓ ક્યાં ગઈ હતી? જયશંકરે એમ પણ જણાવ્યું કે, હાલની વૈશ્વિક અફરાતફરીની સ્થિતિમાં ભારત પોતાની મોટી ભૂમિકા ભજવવા સજ્જ છે. વિશ્વમાં જે ખાદ્ય સંકટ સર્જાયું છે તેનો ઉકેલ લાવવા માટે પણ ભારત તૈયાર છે.
અફઘાનિસ્તાનને સંકટ તરફ ધકેલી દેવાયું
યુરોપીય સંઘના ઉર્સુલા વોન દ્વારા બુચા નરસંહાર અને રશિયાની આક્રમક નીતિઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રશિય દ્વારા જે કરાયું છે અને જે કરાઈ રહ્યું છે તે આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ છે. ભારતે તેના પ્રત્યે આંખ આડા કાન ન કરવા જોઈએ. આ અંગે જયશંકરે આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, થોડા સમય પહેલાં જ અફઘાનિસ્તાનમાં આવું જ સંકટ સર્જાયું હતું. તે પણ વૈશ્વિક સંકટ હતું. અફઘાનિસ્તાનમાં છેલ્લા બે દાયકાથી જે કરવામાં આવી રહ્યું હતું અને થોડા મહિનાઓ પહેલાં જ જે કરવામાં આવ્યું તે કયા નિયમો અને કાયદા હેઠળ કરવામાં આવ્યું હતું.

