ભારતીબાપુના ઉત્તરાધિકારી હરિહરાનંદ સ્વામી ગુમ થયા

Tuesday 03rd May 2022 15:30 EDT
 

વડોદરાઃ ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામ પાસે નર્મદા નદીના કિનારે આવેલા સંત મહામંડલેશ્વર ૧૦૦૮ ભારતી બાપુના આશ્રમના મહામંડલેશ્વર સ્વામી હરીહરાનંદ ભારતીજી મહારાજ ૩૦ એપ્રિલના રોજ વડોદરા સેવકના ઘરે જમીને તેની કારમાં જ કપુરાઈ ચોકડી પાસે ઊતરી જઈ પરત આશ્રમ ન પહોંચતા વાડી પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે. ભારતી બાપુના અવસાન બાદ સંપત્તિનો વિવાદ વકરતા હરીહરાનંદ મહારાજ પર દબાણ કરવામાં આવતું હોવાથી તેઓ કંટાળી ગયા હોવાનું તેમના શિષ્યો જણાવ્યું હતું.
આ અંગે બાપુના અન્ય આશ્રમો જૂનાગઢમાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ ત્યાં પણ તેઓ મળ્યાં ન હતા. હરીહરાનંદ ભારતીજી મહારાજનો એક વીડિયો પણ ફરતો થયો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે, એક વર્ષ થયા મારા ગુરુજી ભારતીબાપુ બ્રહ્મલીન થયા ત્યારથી સરખેજ આશ્રમનો વિવાદ સતત ચાલુ જ છે. આશ્રમનું વિલ મારા નામનું હતું, પરંતુ સામે ફ્રોડ વિલ બનાવ્યાં. મને ખૂબ દબાણ કરવામાં આવ્યું, યેનકેન પ્રકારે મારા પર કીચડ ઉડાવ્યાં. હું કંટાળી ગયો છું અને કંટાળીને નિર્ણય લીધો છે કે, હું આ છોડીને નીકળી જાઉં. નોંધનીય છે કે, ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ ઉત્તરાધિકારી તરીકે હરિહરાનંદ સ્વામીજીને જાહેર કરાયા હતા.


comments powered by Disqus