ભુજઃ તાલુકાના મેઘપરના વેપારીએ દહીંસરાના વતની અને હાલ નૈરોબી રહેતા NRI પાસેથી લીધેલી લેણી રકમ પેટે આપેલા 4 ચેક પરત ફરતાં ભુજની કોર્ટે ફર્નિચરના વેપારી એવા ભૂતપૂર્વ સરપંચને રૂ. 46.60 લાખની રકમ 9 ટકા વ્યાજ સાથે પરત કરવાની સાથે એક વર્ષની કેદનો આદેશ કર્યો છે.
ફરિયાદી નૈરોબી સ્થિત રવજી જાદવા ખીમાણીએ પોતાના પાવરદાર મારફતે ભુજની કોર્ટમાં એવી ફરિયાદ કરી હતી કે, તેઓને આરોપી વેપારી અને ભૂતપૂર્વ સરપંચ ગોવિંદ કેસરા હાલાઇ (સાકાર ફર્નિચર)વાળા સાથે કૌટુંબિક સંબંધો છે.
આરોપીને રૂપિયાની જરૂરિયાત હોઇ સંબંધના નાતે ફરિયાદીને આર્થિક સહાય કરવા માગણી કરતાં ફરિયાદીએ આરોપીને રૂ.46,60,000 હાથ ઉછીના થોડા સમય માટે આપ્યા હતા.
ત્યાબાદ ફરિયાદીએ આરોપી પાસેથી રકમ પરત માગતાં આરોપીએ ફરિયાદીના નામજોગ 4 અલગ-અલગ ચેક લખી આપ્યા હતા. આરોપીએ આપેલા ચેક ફરિયાદીએ પોતાના બેન્ક ખાતામાં નાખતાં પૂરતાં ફંડના અભાવે ચારેય ચેક પરત ફર્યા હતા. આથી ફરિયાદીએ ભુજની ચીફ જયુડીશીયલ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.
આરોપીએ ગુન્હો કબૂલ ન કરતાં કેસ ચાલ્યો હતો, જેમાં કોર્ટે પૂરાવાના આધારે આરોપીને દોષિત ઠરાવ્યો હતો. કોર્ટે આરોપી વેપારીને એક વર્ષની કેદની સજા ફટકારી, લેણાં પેટેની બાકી રકમ રૂ. 46 લાખ 60 હજાર 9 ટકાના વ્યાજ સાથે ફરિયાદીને પરત કરવા આદેશ કર્યો હતો.
