રાજકોટ-અમદાવાદ હાઇવે પર ટેન્કરમાંથી 15 મેટ્રિક ટન એમોનિયા ગેસ લીકેજ, લોકોમાં નાસભાગ

Tuesday 03rd May 2022 15:37 EDT
 

રાજકોટઃ રાજકોટ-ચોટીલા હાઈ-વે પર બામણબોર નજીક મોડીરાત્રે ડ્રાઈવરને ઝોકુ આવી જતાં એમોનીયા ગેસ ભરેલ ટેન્કર પલ્ટી ખાઈ જતાં વાલ્વ તૂટી જવાના કારણે એમોનીયા ગેસ લીકેજ થતાં હાઈ-વે પર અફરાતફરી મચી ગઈ હતી જો કે ફાયર બ્રિગેડ સ્ટાફે સમયસર ઘટના સ્થળે દોડી જઈ ટ્રાફિક ડાયવર્ટ કરી લીકેજ એમોનીયા પર સતત પાણીનો મારો ચાલુ રાખ્યો હતો. જેના કારણે મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, બામણબોર કાવેરી હોટલ પાસે મોડીરાત્રે ડ્રાઈવરને ઝોકુ આવી જતાં સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં 15 મેટ્રીક ટન ભરેલ એમોનીયા ગેસ સાથેનું ટેન્કર રોડની સાઈડમાં પલ્ટી ખાઈ ગયું હતું. આ ગોઝારા અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી નહોતી. પરંતુ, એમોનીયા ગેસનો વાલ્વ તૂટી જતાં હાઈ-વે પર ગેસ લીકેજ થતાં નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની ફાયર બ્રિગેડને જાણ થતાં ઘટના સ્થળે દોડી જઈ સતત 7 કલાક સુધી લીકેજ ગેસ પર પાણીનો મારો ચલાવી ગેસની તીવ્રતા મંદ પાડી દીધી હતી.


comments powered by Disqus