અંકલેશ્વર: ભરૂચમાં પાંચ વર્ષ બાદ પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી તેમના બીજા કાર્યકાળમાં પ્રથમ વખત આગામી તા. 15મી મેએ આગમન કરે તેવી શક્યતા છે. તેઓ વિરાટ જનમેદનીને પણ સંબોધશે. વહીવટીતંત્ર અને ગુજરાત સરકારનો રસાલો પ્રધાનમંત્રીના આગમને ભવ્ય રીતે વધાવવા સજજ થઈ રહ્યો છે. ગુજરાત માટે પ્રધાનંત્રી ભેટ લઈને આવી રહ્યા છે અને તે ભેટ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેમાં અમદાવાદ અંકલેશ્વરનો આઠ લેન હાઈવે તેઓ દેશને સમર્પિત કરશે.
અમદાવાદ અને અંકલેશ્વર વચ્ચે એક્સપ્રેસ વે તૈયાર થઈ ગયો છે. તેનું પીએમ સંભવત ભરૂચ આવીને 15મેએ લોકાર્પણ કરે તેવી સંભાવના સાથે ગતિવિધિઓ ચાલી રહી છે. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ સોમવારે દૂધધારા ડેરી ગ્રાઉન્ડ, GNFC ગ્રાઉન્ડ અને કૃષિ યુનિવર્સિટીના મેદાનની અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લીધી હતી. જોકે વાતચીતમાં આ તેઓએ હજી કઈ નક્કી નહિ હોવાનું અને આ વાર્ષિક આર એન્ડ બી દ્વારા ચાલતી પ્રક્રિયાનો ભાગ હોવાનું કહ્યું હતું. બીજી તરફ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ ભરૂચની મુલાકાત પ્રધાનંત્રી લઈ શકે છે પણ હજી કઈ ન્કકી નહીં હોવાનું કહ્યું હતું. દિલ્હી-મુંબઈ 1380 કિમી. લાંબા એક્સપ્રેસ વેનો દિલ્હી વડોદરા વિભાગ ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જવાની સંભાવના છે.

