સુરત: દેશ પ્રાકૃતિક ખેતીમાં ઝડપથી આગળ વધી રહ્યો છે ત્યારે યુવાનો ખેતીમાં આધુનિકતા અને વેપારી કોઠાસૂઝ અપનાવીને આગળ વધે તેવી હાકલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સુરતમાં આયોજીત ત્રણ દિવસીય ગ્લોબલ પાટીદાર સમિટના વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કાર્યક્રમમાં કરી હતી.
દર બે વર્ષે યોજાતી પાટીદાર સમિટ આ વર્ષે સુરતમાં યોજાઇ છે. સુરતના સરસાણા ખાતે 30 હજાર ચો.મી. વિસ્તારમાં પ્રદર્શનનું આયોજન કરાયું છે. ૯૫૦ સ્ટોલમાં સમગ્ર રાજ્યમાંથી આ સમિટમાં પાટીદાર સમાજ અને અન્ય સમાજના ઉદ્યોગકારોએ પોતાના ઉત્પાદકોનું પ્રદર્શન કર્યું છે. મહિલા ઉદ્યોગ સાહસિકો, કૃષિ, ડેરી જેવા સ્ટોલ માટે ૫૦ ટકાનું ડીસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે.
વડાપ્રધાન મોદીએ આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે સરદાર પટેલને યાદ કરતા કહ્યું હતું કે, દેશને આઝાદી મળી ત્યારે સરદાર સાહેબે કહ્યું હતું કે ભારતમાં સંપત્તિની કોઈ કમી નથી. આપણે ફક્ત આપણા દિમાગ અને સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો પડશે. મોદીએ પાટીદાર ઉદ્યોગકારોને ગ્રામ્ય વિસ્તારોમાં રોકાણ કરીને ગ્રામ્ય અર્થકારણને ધબકતું રાખવાનું સૂચન કરીને ઉમેર્યુ હતુ કે, સંપત્તિવાન' જરૂર બનવું જોઈએ, પણ ગામડા અને ખેતીને ક્યારેય ન ભૂલવા. કારણ કે ગ્રામીણ અને કૃષિ સંસ્કૃતિ આપણી જડ છે. એગ્રોબેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ, પ્રાકૃતિક ખેતી અને ફૂડ પ્રોસાસિંગમાં અપાર સંભાવનાઓ રહેલી છે. યુવાધન આ તકો ઝડપીને ગ્રામ્ય પ્રગતિમાં ભાગીદાર બને એવી અપીલ પણ તેમણે કરી હતી.''
તેમણે યુવાઓ અને વડીલોની ટીમ બનાવીને વિવિધ ક્ષેત્રમાં સંશોધન કરીને આગળ વધવાનો પ્લાન અમલમાં મૂકવાની જરૂર વિશે ટાંકીને ઉમેર્યુ હતુ કે, યુવાઓએ પ્રાકૃતિક કૃષિમાં કોઠાસૂઝ અને આધુનિકતા અપનાવીને નવા વેપારી આઇડિયા શોધવાની જરૂર છે. પ્રાકૃતિક ખેતીને આધુનિક ટચ આપીને આગળ વધવામાં આવે તો સારા પરિણામો મેળવી શકાય તેમ છે. આ ઉપરાંત વડાપ્રધાને જે યુવાઓ સરકાર વિરોધી નારેબાજી કરે છે તેને ભૂતકાળ યાદ અપાવવાની ટકોર પણ સમિટમાં ઉપસ્થિત ઉદ્યોગકારોને કરી હતી તેમજ મહિલા ઉદ્યોગ સાહસિકોને કઇ રીતે પ્રોત્સાહન આપી શકાય તે વિશે પણ સમિટમાં ટાંક્યું હતું.
સમિટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિડીયો સંદેશ દ્વારા સમિટને શુભેચ્છા આપીને ઉમેર્યુ હતું કે, પાટીદાર ગુજરાતની ખમીરવંતી અને મહેનતકશ પ્રજા છે. સ્વબળે સંઘર્ષ કરીને સમગ્ર વિશ્વમાં પાટીદારોએ પાણી બતાવ્યું છે.

