સોખડા હરિધામમાં ગુણાતિતચરણ સ્વામીનો રહસ્યમય સંજોગોમાં આપઘાત

Tuesday 03rd May 2022 15:48 EDT
 
 

વડોદરા: વડોદરા : સોખડા હરિધામ વિવાદમાં ગુરૂવારે એક આઘાતજનક ઘટનાએ હરિભક્તોને સ્તબ્ધ કરી દીધા છે.હરિધામમાં રહેતા 69 વર્ષના ગુણાતિતચરણ સ્વામીએ ફાંસો ખાઇને આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ હરિધામના વહિવટદારો આપઘાતની આ ઘટના પોલીસથી છુપાવીને અંતિમક્રિયાની તૈયારી કરી રહ્યા ત્યારે જ પોલીસ ત્રાટકી હતી અને મૃતદેહનો કબજો લઇને એસએસજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો જ્યાં મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાયુ હતુ.
ઘટનાની વિગત એવી છે કે '40 વર્ષ પહેલા હરિપ્રસાદ સ્વામી પાસે દીક્ષા લઇને હરિધામમાં આવેલા અને હાલમાં 69 વર્ષના ગુણાતિતચરણ સ્વામીજીએ બુધવારે રાત્રે તેમના રૂમની છતમાં લાગેલા લોખંડના હુકમાં 'ગાતરીયુ' (સંતો પહેરે તે ભગવા રંગનું ઉપવસ્ત્ર) બાંધીને ગળે ફાંસો ખાઇ લીધો હતો. તેમની બાજુની રૂમમાં રહેતા પ્રભુપ્રિય સ્વામી બુધવારે ગુણાતિતચરણ સ્વામીને ઉકાળો આપવા માટે આવ્યા હતા. રૂમ અંદરથી બંધ હતો.
ખખડાવ્યા છતા નહી ખોલતા બીજી ચાવી લાવીને ખોલતા ગુણાતિતચરણ સ્વામી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસને જાણ કરવાના બદલે હરિધામના વહિવટદારો એટલે કે પ્રેમસ્વરૂપ સ્વામીના ટેકેદારોએ ગુણાતિતચરણ સ્વામીનો મૃતદેહ નીચે ઉતાર્યો હતો અને સૌરાષ્ટ્રમાં આવેલા વંથલી ખાતે રહેતા ગુણાતિતચરણ સ્વામીના સંબંધીઓને જાણ કરી હતી. આજે સવારે સંબંધીઓ આવી જતા મૃતદેહની અંતિમક્રિયા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામા આવી હતી.
મૃતદેહની સ્નાનવિધિ અને પુજા બાદ હરિઘાટ લઇ જવાયો હતો જ્યાં અગ્નિદાહ આપવાની તૈયારી ચાલતી હતી તેવામાં તાલુકા પોલીસ આવી પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લીધો હતો અને પોસ્ટ મોર્ટમ માટે એસએસજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. એસએસજી હોસ્પિટલમા પેનલ પોસ્ટમોર્ટમ કરાયુ હતુ. મૃતદેહમાંથી વીસેરા લઇને ફોરન્સીક તપાસ માટે સુરત મોકલી આપવામાં આવ્યા છે જ્યારે ડોક્ટરોએ ગુણાતિતચરણ સ્વામીનુ મૃત્યુ 'હેંગીગ' એટલે કે ફાંસાના કારણે થયુ હોવાનો રિપોર્ટ આપતા પોલીસ હવે આપઘાત કે હત્યા એ બન્ને થિયરી પર તપાસ શરૂ કરી છે.


comments powered by Disqus