અમદાવાદ: વડોદરામાં સ્થિત સોખડા સ્વામીનારાયણ મંદિરમાં બે જૂથ વચ્ચેના વિવાદ મુદ્દે ચાલતી સુનાવણીમાં સોમવારે હાઈકોર્ટમાં અનેક નાટયાત્મક વળાંકો જોવા મળેલા. સુનાવણી બાદ, હાઈકોર્ટે આ કેસમાં મધ્યસ્થી તરીકે બોમ્બે હાઈકોર્ટમાં ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ એમ. એસ. શાહને નિમ્યા છે. હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, નવ મેના રોજ બંને પક્ષો સાથે મળીને પ્રશ્ન ઉકેલે, જે સમાધાન થાય નહીં તો પછી મધ્યસ્થી સમક્ષ જાઓ.
સુનાવણી સમયે, મંદિર ટ્રસ્ટના પ્રમુખ પ્રેમસ્વરૂપદાસજીએ પ્રસ્તાવ મુકેલો કે તેઓ, તેમના વકીલ તથા સામે પક્ષે પ્રબોધસ્વામીજી અને તેમના વકીલ મળીને આ પ્રશ્નના ઉકેલ માટે પ્રયાસ કરશે. જો, સમાધાન થાય નહીં તો મધ્યસ્થી સમક્ષ જઈશું. આ પછી, બપોરે દોઢ કલાકે પ્રેમસ્વરૂપદાસજીએ રજૂઆત કરેલી કે તેઓ મધ્યસ્થી પાસે જવા તૈયાર છે, જેમાં બંને પક્ષ તેમની સાથે બે-બે લોકોને સાથે રાખશે. તેમના વતી ત્યાગવલ્લભદાસજી રહેશે. આ રજૂઆતનો પ્રબોધસ્વામીજીના વકીલે વિરોધ કરેલો કે ત્યાગ વલ્લભદાસજી સિવાય કોઈપણ હોય તો ચાલશે. ત્યાગ વલ્લભદાસજી એ પ્રેમસ્વરૂપદાસજીના સમર્થક છે. હાઈકોર્ટે પ્રેમસ્વરૂપદાસજીને ટકોર કરેલી કે, મધ્યસ્થી સમક્ષ તમારી સિવાય અન્ય બે લોકોને સાથે રાખવાનો મુદ્દો અચાનક કેવી રીતે આવ્યો ? આ પછી બપોરે અઢી વાગે બંને પક્ષે મધ્યસ્થી માટે એક નામ પર સહમત થયેલા.
