દુર્ગાપુર: મુંબઈથી પશ્ચિમબંગાળના દુર્ગાપુર જઈ રહેલું સ્પાઇસ જેટ બોઇંગ બી-737 વિમાન વાવાઝોડામાં ફસાઈ ગયું હતું. વિમાન દુર્ગાપુરના કાજી નજરૂલ ઇસ્લામ એરપોર્ટ ખાતે ઉતરાણ કરવા જઈ રહ્યું હતું ત્યારે જ વાવાઝોડામાં ફસાઈ જતાં ડગવા માંડ્યું હતું. કેબિનમાં પડેલો સામાન માથે પડવા લાગતાં 40 પ્રવાસીને ઈજા પહોંચી હતી. તે પૈકી 10ની સ્થિતિ ગંભીર હતી. જોકે પાઇલટની સુઝબુઝને કારણે વિમાન રનવે પર સુરક્ષિત ઉતરી ગયું હતું. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
પાઇલટે ખતરો જોતાં જ સીટબેલ્ટનું નિશાન ઓન કરી દીધું હતું. તે પછી પણ ફૂડ ટ્રોલી સાથે ટકરાવાથી બે પ્રવાસી ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. જોકે એક અધિકારીએ જણાવ્યું કે સીટ બેલ્ટની સાઇન ઓન થાય પછી ફૂડ સર્વિસ બંધ કરી દેવી જોઈતી હતી. તમામ પ્રવાસીએ પોતાની બેઠક પર પહોંચી જવાની પણ જરૂર હતી. પરંતુ આ તમામ બાબતો નજર અંદાજ કરવામાં આવી હતી. ફ્લાઈટ લેન્ડ થતાં જ ઘાયલોને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
કાળ વૈશાખી શું છે?
એપ્રિલથી મે મહિના દરમિયાન વાદળોના ગડગડાટ સાથે આકાશમાંથી વીજળી તૂટી પડવી કે જોરદાર પવન ફૂંકાવો તે મોસમી ઘટના છે. તેને કાળ વૈશાખી કે નોર્વસ્ટર પણ કહે છે. કાળ વૈશાખીનો પ્રભાવ ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં જોવા મળે છે. વૈશાખ મહિનામાં જ આવો પ્રભાવ સર્જાતો હોવાથી તેને કાળ વૈશાખી કહેવામાં આવે છે.

