અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટને એક ગુજરાતીનો માન્યો ખાસ આભાર

Tuesday 04th January 2022 14:42 EST
 
 

આણંદ: અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટને ગત ૨૧મી ઓક્ટોબરના રોજ ટ્વિટર પર અપલોડ કરેલા એક વીડિયો મેસેજમાં એક ‘ગુજરાતી’નો ખાસ આભાર માને છે. એ ગુજરાતી ડો. અલ્પેશ અમીન છે. જે મૂળ ચરોતર પંથકના વીરસદ ગામના વતની છે. વર્ષ ૧૯૬૮થી અમેરિકામાં સ્થાયી થયેલા ડો. અલ્પેશ ઉર્ફે અનુજ અમીન યુનિ. ઓફ કેલિફોર્નિયા ઈરવિન મેડિકલ સેન્ટરમાં હોસ્પિટલ મેડિસિનનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
તાજેતરમાં ઈન્ફેક્શનથી હોસ્પિટલમાં દાખલ થયેલાં પૂર્વ અમેરિકન પ્રમુખ બિલ ક્લિન્ટનની સારવાર અને દેખરેખ ડો. અલ્પેશ અમીન દ્વારા રાખવામાં આવી હતી. જેથી હોસ્પિટલથી ઘરે પરત ફર્યા બાદ બિલ ક્લિન્ટને હોસ્પિટલમાં પોતાની કાળજી અને દેખરેખ બદલ ડો. અમીનનો ખાસ આભાર માન્યો હતો.
ડો. અમીન માત્ર ડોક્ટર જ છે એમ નથી પરંતુ તેઓએ એન્જિનિયરિંગ અને એમબીએની ડિગ્રી પણ મેળવી છે. હોસ્પિટલ મેડિસિનના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવનાર ડો. અમીને કેલિફોર્નિયા યુનિ. ઈરવિન મેડિકલ સેન્ટર ખાતે વર્ષ ૧૯૯૮માં પ્રથમ ‘હોસ્પિટાલિસ્ટ પ્રોગ્રામ’ની એક પહેલ કરી હતી. તેઓ વિશ્વભરના એકેડેમિક મેડિકલ સ્કૂલ અને એકેડેમિક મેડિકલ સેન્ટરના મેડિસિન વિભાગના પ્રથમ અને એકમાત્ર અધ્યક્ષ છે.


comments powered by Disqus