ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખપદે ધારાસભ્ય બાબુભાઇ પટેલની વરણી

Tuesday 04th January 2022 14:54 EST
 

ઊંઝા: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના નવા પ્રમુખ તરીકે દસ્ક્રોઈના ભાજપના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. ઊંઝામાં કારોબારી સભાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. સભામાં માત્ર કારોબારી સભ્યોને જ પ્રવેશ અપાયો હતો.
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનની કારોબારી સભા પ્રમુખ મણિભાઈ મમ્મીના અધ્યક્ષ સ્થાને ઉમેશ્વર હોલમાં યોજાઈ હતી, જેમાં નવા હોદ્દેદારોની વરણી કરાઈ હતી. સંસ્થાનના પ્રમુખ તરીકે બાબુભાઈ જમનાભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે પ્રહલાદભાઈ અંબાલાલ પટેલ (કામેશ્વર) અને ગટોરભાઈ કાનજીભાઈ પટેલ બોટાદ તેમ જ મંત્રીપદે દિલીપભાઈ પટેલ (નેતાજી)ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
બાબુભાઈ પટેલે કહ્યું હતું કે, ચૂંટણી પહેલાથી પ્રહલાદભાઈ કામેશ્વરે મને વોટ્સએપથી કહ્યું હતું, હું તમારી સાથે જ છું અને ચૂંટણી બાદ મને અભિનંદન પણ પાઠવ્યા હતા. પહેલા મારા હરીફ એવા પ્રહલાદભાઈએ જાહેરમાં મને ટેકો આપ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે સંસ્થાના પ્રમુખપદની ચૂંટણી પહેલા હું સમાજના દીકરો છું. માતાજીના મંદિર માટે મેં અગાઉ રૂ. ૩૧ કરોડ દાન આપવાની વાત કરી હતી. ચૂંટણી માટે જ દાન આપીશ એવી કોઈ વાત નહોતી. આગળ પણ સંસ્થાને દાનની જરૂર પડશે તો હું આગળ હાથ લંબાવીશ.


comments powered by Disqus